રાજકોટની હિનલે બનાવી અનોખી પતંગ, જ્યાં પણ પડશે ત્યાં હરિયાળી આવશે, જાણો કેવી રીતે?
રાજકોટ: ઉત્તરાયણના તહેવારને હવે એક દિવસ આડો છે. ત્યારે રાજકોટમાં હિનલ રામાનુજે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. એમાં ઉત્તરાયણનો આ તહેવાર હરિયાળી લાવે એ માટે ખાસ પ્રકારના પતંગો હિનલ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ પતંગો અન્ય સામાન્ય પતંગની માફક ઉડાવી ઉત્તરાયણની મોજ લઈ શકાશે. અને આ પતંગ જમીન પર પડતાં એમાં રહેલાં બીજ દ્વારા જે-તે જગ્યાએ વૃક્ષ ઊગી નીકળશે. આમ, તહેવારની ઉજવણીની સાથે-સાથે પર્યાવરણની જાળવણી પણ કરી શકાશે. તેમણે આવી 100 કરતાં પણ વધુ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવ્યા
પતંગ કપાઈને જમીન પર પડતાં આપમેળે વૃક્ષ ઊગી નીકળશે
પોતાના નવતર પ્રયોગ વિશે જણાવતાં હિનલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું હંમેશાં તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખું છું, તેથી આ ઉત્તરાયણ માટે મેં ખાસ પ્રકારના પતંગો બનાવ્યા છે, જેમાં તેણે વૃક્ષનાં બીજ મૂક્યા ંછે. જોકે પતંગ સારી રીતે ઊડી શકે એનું પણ પૂરતું ધ્યાન રખાયું છે. આ માટે તેણે પતંગની વચ્ચે કાગળનું પોકેટ લગાવ્યું છે, જેમાં ઓછા વજન ધરાવતાં વૃક્ષોનાં બીજ મૂકયાં હોવાથી પતંગ કપાઈને જમીન પર પડતાં આપમેળે જમીનમાંથી વૃક્ષ ઊગી નીકળે છે.
સિમ્બોલિક વૃક્ષ ડ્રો કર્યા છે
તેણે વધુમાં જણાવ્યું હતું કે આ પતંગમાં જ વૃક્ષારોપણના સ્લોગન પણ લખ્યા છે અને સિમ્બોલિક વૃક્ષ ડ્રો કર્યાં છે. જેથી કરીને આ પતંગ કપાઈને કોઈના પણ હાથમાં આવે ત્યારે બીજ મૂકવાનો મેસેજ તેમના સુધી પહોંચી શકે. આ બીજની ખાસિયત છે કે એમાં ઓછું પાણી અને માવજત ન થાય તોપણ જમીનમાં ઊગી નીકળે તેવા વડ, પીપળો, માંજર વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મેં આ પ્રકારના અંદાજે 100 કરતાં વધુ પતંગો બનાવ્યા હોવાથી એટલાં વૃક્ષ ઊગી નીકળવાનો મને વિશ્વાસ છે.
ઇકો ફ્રેન્ડલી રાખડીઓ પણ બનાવી હતી
ઉલ્લેખનીય છે કે હિનલ રામાનુજ દ્વારા તહેવારોમાં પર્યાવરણની જાળવણી માટે અવનવા પ્રયોગ કરવામાં આવે છે. આ પહેલાં રક્ષાબંધનના તહેવાર દરમિયાન તેમણે ખાસ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરતી રાખડી બનાવી હતી.
જેમાં માસ્ક અને સેનિટાઇઝર, ફાફડા-જલેબી, કાર, આઈફોન, વેફર, ડેરીમિલ્ક અને મોદી-રૂપાણીના ફોટા સાથે વેક્સિનની નાની બોટલ વાળી રાખડી બનાવવામાં આવી છે. ત્યારે હવે પતંગ માટે પણ તેઓ આવો જ નવતર પ્રયોગ લઈને આવ્યા છે, જેને હાલમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો હિનલના આ પ્રયોગને વખાણી રહ્યા છે.