રાજકોટમાં સિટીબસ સાથે રિક્ષા ઘસાતાં બસ-કર્મચારીઓ એકત્ર થયા, વૃદ્ધ રિક્ષા-ચાલકને જાહેરમાં તમાચા ઝીંક્યા

રાજકોટઃ રાજકોટમાં વધુ એક વખત સિટીબસના કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. સિટીબસના કર્મચારીઓનો દાદાગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાજકોટના કાવાલડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષા-ચાલકને માર માર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટીબસ સ્ટોપ ખાતે એક વૃદ્ધ રિક્ષા-ચાલકને સિટીબસના કર્મચારી માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં એક વૃદ્ધને રોડ પર બેસાડી સિટીબસના કર્મચારી માર મારી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

બસ સાથે રિક્ષા ઘસાવા જેવી સામન્ય બાબતમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થઈ રસ્તા પર વૃદ્ધ રિક્ષા-ચાલકને માર મારે એ કેટલું યોગ્ય ગણાય એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે. વૃદ્ધ સિટીબસના કર્મચારીઓ પાસે આજીજી કરતા રહ્યા, પણ એકપણ કર્મચારીને દયા આવી નહીં અને વૃદ્ધને ફડાકા મારતા રહ્યા હતા. બસ સાથે રિક્ષા ઘસાઈ એમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થઇ વૃદ્ધ સામે દાદાગીરી દેખાડી એે કેટલું યોગ્ય ગણાય. આવા કર્મચારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ એવી માગ લોકોમાં ઊઠી છે. મનપા પણ મૂકપ્રેક્ષકની જેમ તમાચા મારતાને જોઇ રહી હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે.

કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાતાં સિટીબસના કર્મચારીઓ અને રિક્ષા-ચાલક વૃદ્ધ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં મામલો ગરમાતાં રિક્ષાચાલકને માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિટીબસના કર્મચારીઓ વારંવાર કાયદો હાથમાં લઇ બબાલ કરતા હોય છે અને વિવાદમાં સપડાતા હોય છે. ત્યારે આ ગંભીર મામલે મનપા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું.

આ અંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, વીડિયો મને મળ્યો છે, જેમાં લડાઈ જેવું થાય છે અને માર મારવામાં આવે છે. અમે રાજકોટ રાજપથ લિમીટેડના કર્મચારી અથવા આઉટ ઓફ સોર્સ એજન્સી મારફત કર્મચારી રાખીએ છીએ. તેમાં કડકમાં કડક પગલા લેવામાં આવશે. આવું બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. કોઈ ગેરવર્તન કે ઉદ્ધત વર્તન ચલાવી લેવામાં આવશે નહીં. કર્મચારીનો કોઇ પણ વ્યક્તિ સાથેનું ગેરવર્તન ચલાવી લેવામાં નહીં આવે. રાજકોટ રાજપથ લિમીટેડ તરફથી કર્મચારીઓનો ડ્રેસ નક્કી કરવામાં આવ્યો છે. વીડિયોમાં ડ્રેસ પહેરોલા દેખાય છે પણ ડ્રેસ વ્યવસ્થિત પ્રોફેસનલી પહેરવામાં આવે તેવી પણ આપણે ચોક્કસ સૂચના આપીશું.

રાજકોટમાં 100 જેટલી સિટીબસ ચાલે છે, જેનું સંચાલન રાજકોટ કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કર્મચારીઓની મિલીભગતને કારણે શહેરના નાગરિકો પિસાય રહ્યા છે. સામાન્ય વાંકમાં પણ નાગરિકોને ઢોરમાર મારવામાં આવે છે. અવારનવાર સિટીબસના ચાલકો અને કર્મચારીઓની દાદાગીરી સામે આવી રહી છે. સિટીબસના ચાલકો મનફાવે એમ બસો ચલાવી અવારનવાર અકસ્માતો પણ કરે છે. મનપા દ્વારા સિટીબસના કર્મચારીઓ સામે પગલાં લેવા લોકોમાં માગ ઊઠી છે.

21 જૂનના રોજ રાજકોટના આઝાદ ચોકમાં સિટીબસે એક્ટિવાને ઉલાળતાં મહિલાને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. બાદમાં ઉશ્કેરાયેલાં ટોળાંએ સિટીબસ પર પથ્થર મારો કરતાં બસનો આગળનો કાચ ફૂટી ગયો હતો. જોકે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં દોડી આવી હતી અને ટોળાને વિખેર્યું હતું. મહિલા રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસં ઘટનાસ્થળે દોડી આવી મામલો શાંત કર્યો હતો.

કોઠારિયા અને મેટોડા રૂટની 15 નંબરની બસ ત્રિકોણબાગ પાસે આવી ત્યારે બસ-ડ્રાઇવર અને રિક્ષા-ડ્રાઇવર વચ્ચે પેસેન્જર બેસાડવા મુદ્દે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી મારામારીમાં ફેરવાઇ હતી. બસ-ચાલકે રિક્ષાવાળાને ફડાકા મારી શર્ટ ફાડી નાખ્યો હતો. રિક્ષા-ચાલકે બે હાથ જોડી માફી પણ માગી હતી.

error: Content is protected !!