સરપંચ પદ માટે સાસુ-વહુ વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ, બન્ને ફોર્મ પરત ન ખેંચવા મક્કમ, મતદારો કોને ખુરશી પર બેસાડશે

ઉના: દેલવાડા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ અને પૂર્વ યુવા ભાજપના પ્રદેશમાંથી અને વર્તમાન કિશાન મોરચાના ભાવનગર જીલ્લાના પ્રભારી વિજયભાઇ લાખાભાઇ બાંભણીયા સરપંચ છે. પરંતુ આ વર્ષ સામાન્ય સ્ત્રી અનામત આવતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાની સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી અને ગ્રામ પંચાયતના 16 વોર્ડના સભ્યોની પેનલ સાથે મજબૂત દાવેદારી કરી છે. જ્યારે તેની સામે પૂજાબેનના સાસુ જીવીબેન લાખાભાઇ બાંભણીયાએ પણ સરપંચ તરીકે દાવેદારી નોંધાવી અને તમામ વોર્ડમાં સભ્યોની પણ પેનલ બનાવી વહુ બેટા સામે સાસુમાંએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

હાલ મળતી માહીતી મુજબ સાસુ અને વહુ બન્ને ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો હોય તેવી વાતો સાંભળવા મળી રહી છે. ત્યારે સાસુ અને વહુ બન્ને ચુંટણી સામ સામે લડશે તો, મતદારોનો ઝોક કોના તરફી રહેશે? તો બીજી તરફ ભાજપના આગેવાનો પણ આ બાબતે મગનું નામ મરી પાડતા નથી.

આ સીવાય અન્ય ત્રણ મહીલાઓએ પણ સરપંચની દાવેદારી હાલ નોંધાવી છે. પરંતુ ઉડીને આંખે વળગે તેવી સાસુમાં અને વહુની ઉમેદવારી ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ દેલવાડામાં સાસુ અને વહુનો ચૂંટણી જંગ સીધો થવાનો હોવાની વાત નકારી શકાય તેમ નથી. છતાં પણ આતો રાજકારણ છે. આથી કંઇ નક્કી કહેવાય નહી અને ફોર્મ ખેચવાની અંતિમ તા.7 ડિસે. છે. ત્યારે ગ્રામજનોની મિટ પણ એ દિવસ પર રહેશે કે ફોર્મ સાસુમાં ખેચશે કે વહુ? કે પછી બન્ને વચ્ચે સીધો ચૂંટણી જંગ થશે તેતો આવનાર દિવસોમાં જોવા મળશે.

યુવાનોમાં ઉત્સાહ
ગ્રા.પં.ની ચૂંટણી જાહેર થતાં ઊના સરકારી ઓફીસમાં ફોર્મ ભરાવા માટે ઉમેદવારોનો મેળાવડો જમ્યો છે. ત્યારે જ તા.પં. કચેરીના ગ્રાઉન્ડમાં ત્રણ યુવાનો સ્કુટર પર જ ફોર્મ ભરતા નજરે પડ્યા હતાં.

ફોર્મ નહિં ખેંચીએ
સરપંચ પદની ઉમેદવારી નોંધાવનાર જીવીબેનના પુત્ર રાહુલભાઈએ કહ્યું કે મારા માતા ચૂંંટણી લડવાનાં છે. ફોર્મ પરત ખેંચવાના નથી.

ચૂંટણી લડવી છે
જ્યારે વર્તમાન સરપંચ વિજયભાઈ બાંભણીયાએ કહ્યું હતું કે મારા પત્નિનું ફોર્મ પરત નહીં ખેચીએ અને ચૂંટણી લડવી છે. સમેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવું હોય તો ખેચી શકે છે. અમે તો ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.

error: Content is protected !!