આ જગ્યાએ વાડીના ગોડાઉનમાં ચાલતી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી, પોલીસે ઝડપી પાડી, ક્યાંક તમે તો આ ઘી નહોતા ખાતાને…!
રાજકોટઃ ગોંડલમાં થોડા સમય પહેલા શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયાની ઘટના બાદ હાઇ-વે પર આવેલી માલધારી હોટલ નજીક વાડીના ગોડાઉનમાં સીટી પોલીસે રૂ.27.43 લાખની કિંમતનો 12,738 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કરી પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. જેનો રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
પોલીસે બાતમીના આધારે ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનું ધૂમ વેચાણ થતું હોવાની જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આપેલી સૂચનાને પગલે ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ ખાતે રહેતા અને હાઇ-વે નજીક માલધારી હોટલ પાસે વાડી ધરાવતા ભવાન ગજેરા નામના ખેડૂતની વાડીના ગોડાઉનમાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતા હરસુખ પરમાર દ્વારા શગુન કાઉ ઘી નામે ઘી બનાવતો હોવાની પી.એસ.આઇ. બી.એલ ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો.
27 લાખથી વધુનું શંકાસ્પદ ઘી પકડાયું
દરોડા દરમિયાન પોલીસે રૂ. 27.43 લાખની કિંમતનો 12,738 લિટર શંકાસ્પદ ઘી સહિતનો મુદામાલ કબ્જે કરી નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવાયું હતું.