આવુ તો ગુજરાતીઓ જ કરી શકે મારા વાલા, વરરાજાનો છકડામાં વરઘોડો નીકળ્યો, નવતર ફુલેકુ જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા

ભુજ: સુખપરમાં વૈદિક લગ્ન મંડપ બાદ હવે અંજારના વીરા ગામે વરરાજા કંઈક નવું કરવા ઘોડાના બદલે છકડે ચડ્યો હતો. તેણે પોતાનો વરઘોડો ગામમાં પ્રાદેશિક વાહન છકડામાં ફેરવ્યો હતો. નોંધનીય છે કે વીરા ગામમાં હાલ 35 જેટલા લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે, તેમાં આ વરઘોડાએ ગ્રામજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કચ્છમાં હાલ ઠંડીના માહોલ વચ્ચે લગ્નની સિઝનમાં ગરમી વર્તાઈ રહી છે, દરમિયાન લગ્ન પ્રસંગને યાદગાર બનાવવાની સાથે સાથે આકર્ષક બનાવવાના પ્રયાસો યજમાન પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અંજારથી 32 કિલોમીટર દૂર યાત્રાધામ જોગણીનારની બાજુમાં આવેલા વીરા ગામે ગઈકાલે શુક્રવારે રાતે આહીર જ્ઞાતિના રાજેશ રાખ્યાભાઈ હુંબલના લગ્ન સમારંભની હર્ષોલ્લાસ સાથે ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન વરઘોડા માટે અન્યથી કંઈક અલગ કરવા વરરાજાએ પિતરાઈ ભાઈ જયદીપ આહીરને વાત કરી હતી.

જેથી જયદીપે છકડાનો સુઝાવ મુકતા નવતર કિમીયા માટે સર્વે પરિજનો વચ્ચે સહમતી સધાઈ હતી. તેમજ નક્કી થયા પ્રમાણે ગઈકાલે શુક્રવારે રાતે બેન્ડ વાજાના તાલે વાજતે-ગાજતે વરરાજા પ્રાદેશિક વસ્ત્ર પરિધાન સાથે ગ્રામીણ વાહન છકડા પર ચઢ્યો હતો. જેનો સારથી ભીમસરના ફોટોગ્રાફર અને આઈડિયા આપનાર જયદીપ આહીર બન્યા હતા.

યજમાન પરિવારના ઘરેથી ભારેખમ અવાજ સાથે છકડાએ પ્રસ્થાન કર્યુ હતું. તેમજ વરરાજાના બેસ્યા બાદ ગામના મંદિર સુધી બેન્ડ વાજા સાથે વરઘોડો પહોંચ્યો હતો. આ વાત ગામમાં ખબર પડતાં ગ્રામજનો પણ નવતર ફુલેકુ જોવા ઉમટી પડ્યા હતા.

error: Content is protected !!