આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરનારે રાજકોટ મહિલા સાથે મળીને શરૂ કર્યો આ ધંધો, એક ગ્રાહક પાસે 15 હજાર પડાવતા

ગર્ભ પરીક્ષણ કરવા ઇચ્છતા હોય તો તેમને ઘરે જઇને ગર્ભ પરીક્ષણ કરી આપતા ઉનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા નયન ગીરનારા અને બીના ઉર્ફે મીરા ડેડાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આ બંને પાસેથી 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ અત્યાર સુધી છેલ્લા 11 માસમાં 20થી વધુ ગર્ભ પરીક્ષણ કરી આપ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ દીકરી હોય તો ગર્ભપાત કરાવતા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

શહેરના લક્ષ્મીનગર RMC ક્વાર્ટરમાં રહેતી મહિલા બીના ઉર્ફે મીરા ડેડા ગર્ભ પરીક્ષણ કરાવી આપતી હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ કર્મી ડમી ગ્રાહક બની ગર્ભ પરીક્ષણ માટે બીના ઉર્ફે મીરાનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસે રણછોડનગર સંતકબીર રોડ પર એક રહેણાંક મકાનમાં બોલાવી ગર્ભ પરીક્ષણ માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ સફળ થતા પોલીસે બે બીના અને નયનની ધરપકડ કરી 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે ચલાવતા રેકેટ?
પોલીસનાં કહેવા મુજબ, પકડાયેલા આરોપી પૈકી નયન ગીરનારા ઉનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો હોવાથી 11 માસ પહેલા વિદેશથી ગર્ભ પરીક્ષણ માટે મશીન ખરીદ્યુ હતું. રાજકોટની મહિલા બીના રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ગર્ભ પરીક્ષણ કરાવવા ઇચ્છતી મહિલાનો સંપર્ક કરી બાદમાં રૂપિયા 15000માં ઘરે જઇ ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ અત્યાર સુધી 20થી વધુ ગર્ભ પરીક્ષણ કર્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ ગર્ભપાત કરાવવા માટે પણ તેઓ કામ કરતા હોવાની શંકાના આધારે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ ટ્રેપ દરમિયાન મહિલા પોલીસ હોવાનું આરોપી નયનને માલુમ થઇ જતા નયને મશીન તોડી નાખવા પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય પોલીસ સ્ટાફ પહોંચી જતા તે મશીન તોડી શક્યો નહોતો અને પોલીસે સફળ ટ્રેપ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગર્ભ પરીક્ષણ કરવા માટેનું મશીન, બે મોબાઇલ ફોન, એક કાર સહિત 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

error: Content is protected !!