પતિ-પુત્ર લગ્નમાં જામનગર ગયા ને અમદાવાદમાં મહિલા પોલીસ પત્નીએ ગળાફાંસો ખાધો

અમદાવાદ: અમદાવાદના મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ રો હાઉસમાં એક મકાનમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં જામનગર ગયા હતા. તે દરમિયાન જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો અને ત્રણેક દિવસ વીતી જતા લાશ ડીકમ્પોઝ થવા લાગી હતી. જેને પગલે અસહ્ય દુર્ગંઘ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી.

મનીષા વિજયસિંહ ચૌહાણ નામની 34 વર્ષીય મહિલા પોલીસકર્મીના ઘરમાં અસહ્ય દુર્ગંધને પગલે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

મહિલા પોલીસકર્મીએ ત્રણેક દિવસથી પહેલા આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. ત્યારે મહિલા પોલીસકર્મીનો પતિ અને પુત્ર જામનગરમાં એક લગ્નપ્રસંગમાં ગયા હોવાનું સામે આવ્યું છે. મહિલા પોલીસકર્મીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસબેડામાં ગમગીની છવાઈ ગઈ છે.

પાંચ મહિના અગાઉ જ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ પોલીસ સ્ટેશનમાં જ લમણે સરકારી પિસ્ટલ મૂકીને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પારિવારિક કંકાસ કે અંગત કારણથી પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન કર્યુ હતું. જ્યારે મૃતક પોલીસકર્મીના પરિવારે પાલડી પોલીસ સ્ટેશનના જ પોલીસકર્મીઓ પર હેરાનગતિનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

પાંચ મહિના અગાઉ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય LRD મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો. ભિલોડામાં પોલીસ લાઈનમાં પોતાના જ ક્વાર્ટ્સમાં મહિલા પોલીસકર્મીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો હતો. મહિલા પોલીસકર્મીનો પતિ SRP જવાન છે.

error: Content is protected !!