ગુજરાતનો શોકિંગ બનાવ, અશ્વ રેસ બની અંતિમ રેસ, વીજ-થાંભલા સાથે ઘોડો અથડાતાં અસવારનું મોત
રવિવારે માંડવી તાલુકાના ત્રગડી ગામની સીમમાં ગઈકાલે રવિવારે અશ્વદોડ યોજાઈ હતી. આ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાતાં ઘોડેસવાર યુવકનું એક વીજ-સ્તંભ સાથે ટકરાયા બાદ ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. ઘોડેસવાર રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રેસ દરમિયાન ધૂળની ડમરીઓને કારણે માર્ગની બાજુમાં લાગેલા વીજ- સ્તંભ સાથે ટકરાઈ ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
માંડવી તાલુકાના ત્રગડી અને ગુંડિયાડી ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં ગઈકાલે બપોરે અશ્વદોડ યોજાઈ હતી, જેમાં જિલ્લાનાં અલગ અલગ સ્થળના ઘોડેસવારો ભાગ લેવા આવ્યા હતા. આ રેસ શરૂ થયા બાદ પૂર્ણતા ભણી આગળ વધી રહી હતી.
ત્યારે જ ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો ધૂળની ડમરીઓને કારણે માર્ગ નજીક લાગેલા વીજ-થાંભલા સાથે ટકરાયો હતો. ઘોડો ટકરાતાં યુવક જમીનમાં પટકાઈ ગયો હતો. એમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં મૃત્યુ થયું હતું.