રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતીએ ખેડૂતને બોલાવ્યો, રૂમમાં કપડા કાઢ્યા અને પછી…

રાજકોટ: રાજકોટમાં વધુ એક હનિટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં જોડીયાના રસનાળ ગામના યુવાન ખેડૂત હર્ષદ કેશવજીભાઇ અઘારાને રાજકોટની જીન્નત ઉર્ફે બેબી રફીકભાઇ મકવાણા, હંસા સિંધુભાઇ અઘોલા, વિહા લક્ષમણભાઇ કટારીયા અને અજાણ્યાએ મળી કાવતરુ ઘડી ફસાવી દોઢ લાખ પડાવી લેતાં કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે હંસા સિંધુભાઈ અઘોલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીન્નતે લગ્નની લાલચ આપી હર્ષદને મળવા બોલાવ્યા બાદ રૂમમાં બેસાડી મીઠી વાતો કરી તેને નિર્વસ્ત્ર કર્યો હતો. એ વખતે જ બીજા સાગરીતો આવી જઇ અમારી ભત્રીજી સાથે કેમ ખરાબ કરે છે? કહી છરી બતાવી ધમકાવી પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદમાં ન ફસાવું હોય તો ચાર લાખ આપવા કહ્યું હતું. બાદમાં દોઢ લાખ પડાવી લીધા હતાં.

કુવાડવા રોડ પોલીસ સમક્ષ ભોગ બનેલા રસનાળના હર્ષદ અઘારાએ જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહું છું અને ખેતીકામ કરુ છું. મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. પાંચેક દિવસ પહેલા મારા મોબાઇલ ફોનમાં એક વીડિયો કોલ આવ્યો હતો. મેં તે કટ કરી નાંખ્યો હતો. દસ મિનીટ બાદ ફરી મે કોલ આવ્યો હતો એ નંબર પર ફોન કરતાં સામેથી લેડીઝનો અવાજ સંભળાયો હતો. મેં તેને શું કામ છે? તેમ પૂછતાં તેણે કહ્યું કે હું બહેનપણીને ફોન લગાવતી હતી અને તમને લાગી ગયો હતો. આથી મેં તેને કહ્યું કે વીડિયો કોલ તો નંબર સેવ હોય તો જ લાગે, સાચી વાત જણાવો. આથી તેણે મને વાતોમાં પરોવી મીઠી મીઠી વાતો ચાલુ કરી હતી. તેણે પોતાનું નામ બેબી હોવાનું કહ્યું હતું અને હું કુંવારો હોય તેણે પોતે લગ્ન કરવા ઇચ્છતી હોવાની વાતો કરી મને લાલચ આપી હતી.

ત્યારબાદ આ નંબર પર મેં રોજ વાતો કરવાનું ચાલુ કર્યુ હતું. એ પછી તારીખ 13 નવેમ્બરના રોજ શનિવારે બેબીએ વાત કરી મને 14 નવેમ્બરના રોજ રવિવારે કુવાડવા ગામે રૂબરૂ મળવા આવવાનું કહ્યું હતું. પણ એ દિવસે મારે ઘરે મહેમાન આવવાના હોઇ જઇ શક્યો નહોતો. 15 નવેમ્બરે નવાગામ-આણંદપરની રંગીલા સોસાયટીમાં સોમનાથ રેસીડેન્સી બ્લોક નં. 302માં બપોરે દોઢ વાગ્યે મળવાનું નક્કી થતાં હું એ દિવસે એ સમયે ત્યાં પહોંચી ગયો હતો. ઘરમાં જતાં એક યુવતી મળી હતી તેણે પોતે બેબી હોવાનું કહ્યું હતું. તે રૂમમાં એકલી જ હતી. મારી સાથે મીઠી મીઠી વાતો ચાલુ કરી હતી અને મારા કપડા ઉતરાવી નાંખ્યા હતાં.

એ વખતે જ એક મહિલા અને પુરૂષ આવ્યા હતાં. તેણે પોતે આ બેબીના કાકા અને કાકી હોવાનું કહ્યું હતું અને કેમ અમારી ભત્રીજી સાથે ખરાબ કામ કર્યુ છે કહી કાકાએ છરી બતાવી આ તારી સગી નહીં થાય તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં અને લાકડીથી માર મારતાં હું ગભરાય ગયો હતો. સમાજમાં બદનામી થઇ જશે તેમ કહી હું કરગરતા તેણે ચાર લાખ આપ તો ફરિયાદ નહીં થાય તેમ કહેતા મેં આટલા બધા રૂપિયા ન હોય તેમ કહેતા અંતે તેણે દોઢ લાખ આપવાનું કહ્યું હતું. બાદમાં મેં મારા મિત્ર બળદેવને નેસડા ગામે ફોન કરી તાત્કાલિક દોઢ લાખની જરૂર છે અને હું રાજકોટ છું તેમ કહેતા તેણે સોરઠીયાવાડી સર્કલની આંગડીયા પેઢીમાં આંગડીયું કરાવે છે તેમ કહી પૈસા મોકલતા મેં ત્યાંથી પૈસા લઇ બેબીના કાકા બનીને આવેલા શખ્સને આપી દીધા હતાં. પૈસા મળી જતાં મને સોરઠીયાવાડી સર્કલે બધા છોડીને નીકળી ગયા હતાં.

ત્યારબાદ મને શંકા ઉપજતાં મારા મિત્ર હકાભાઇ ટોયટાને ફોન કરી જાણ કરી તેને બોલાવ્યા હતાં. તે મને તેના ઘરે લઇ ગયા હતા. તેણે મને ફરિયાદ કરવા હિમ્મત આપી હતી. એ પછી મેં હવે ફરિયાદ કરી છે. પોલીસને મેં વિગતો જણાવતાં પોલીસે તપાસ કરતાં આવા ગુનાઓમાં અગાઉ પકડાયેલી મહિલાઓના ફોટા બતાવતાં બેબી બનેલી યુવતીનો ફોટો મેં ઓળખી લીધો હતો. પોલીસના કહેવામ મુજબ આ બેબીનું સાચુ નામ જીન્નત રફીક મકવાણા છે. બેબીનો કાકો બનેલા શખ્સનો ફોટો પણ હું ઓળખી ગયો હતો. એ શખ્સ વીહા લક્ષ્મણભાઇ કટારીયા હોવાનું અને કાકી બનેલી મહિલા કુવાડવાની હંસા સિંધુભાઇ અઘોલા હોવાનું પોલીસે કહેતાં મેં ફરિયાદ નોંધાવી હતી.

કુવાડવા PI એન.એન. ચુડાસમાની રાહબરીમાં PSI પ્રદ્યુમનસિંહ જી. રોહડીયા, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા સહિતે ગુનો નોંધ્યો છે. હનિટ્રેપની આ ટોળકીની હંસા અઘોલાની પોલીસે ધરપકડ કરી છે. હંસા અગાઉ દ્વારકાના કલ્યાણપુરમાં લગ્નના નામે છેતરપિંડીના ગુનામાં પકડાઇ હતી. જ્યારે જીન્નત ઉર્ફે બેબી ચાર મહિના પહેલા જ ગાંધીગ્રામમાં હનિટ્રેપમાં પકડાઇ હતી. વીહો આ બંને સાથે સંપર્કમાં રહેતો હોય તે તોડ કરવા સાથે જોડાયો હતો. હંસા હાથમાં આવી ગઇ હોઇ અન્ય આરોપીઓની શોધખોળ થઇ રહી છે.

error: Content is protected !!