યુવાને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થયા, સારવાર દરમિયાન મોત, મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સંબંધી
સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોતને ભેટેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીના કૌટુંબિક કાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રિતેશ સંઘવી (મૃતકના દીકરા) એ જણાવ્યું હતું કે પપ્પા મહેશભાઈ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મહેશભાઈ બે દીકરા અને બે દીકરીઓ છે. ઘટના શનિવાર રાતની છે.
સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી. જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, ગંભીર હાલતમાં મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.