હૃદયની જન્મજાત ખામી સાથે જન્મેલી ગરીબ પરિવારની બાળકીની યુ.એન મહેતા હોસ્પિટલમાં મફતમાં હાર્ટ સર્જરી કરાઈ

અમદાવાદઃ જામનગરની દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બીજું જીવન મળ્યું. સિંગચ ગામના ગરીબ પરિવારની બાળકીના હૃદયનું ઓપરેશન રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK યોજના હેઠળ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નિ:શુલ્ક કરવામાં આવ્યું.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા સિંગચ ગામે રહેતા અને સામાન્ય આવક ધરાવતા નારણભાઈ પરમાર પર આભ ફાટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરી વિજુના હૃદયમાં કાણું છે અને હૃદયની આ બીમારી એટલી ગંભીર છે કે તે માટેની વધુ સારવાર માટે વિજુને અમદાવાદ ખસેડવી પડશે.

ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિજુના પિતા નારણભાઈએ જણાવ્યું હતું કે, “જન્મ પછી વિજુને પેટમાં ડાબી તરફ ખાડો પડતો હતો જેની તપાસ કરાવવા અમે હોસ્પિટલ ગયા હતા. ત્યારે ત્યાં હાજર તબીબે જણાવ્યું કે વિજુના હૃદયમાં કાણું છે અને તાત્કાલિક આ અંગેની સારવાર કરાવવી જરૂરી છે. જેથી અમે વધુ સારવાર માટે ખંભાળિયા ત્યારબાદ જામનગર ખાતેની જી.જી. હોસ્પિટલમાં વિજુની આરોગ્ય તપાસણી કરાવી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરાવતા ત્યાંથી જણાવાયું કે આ ઓપરેશન માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થશે.

નારણભાઈ આગળ કહે છે, આ સાંભળતા અમારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. અમદાવાદ રહેતા અમારા એક સંબંધીએ અમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવવાની સલાહ આપી. આ કાર્ડના કારણે અમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં અને આવવા જવાના મુસાફરીના ભાડા સાથે સરકારે અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરી આપી અમારી વિજુનો જીવ બચાવ્યો”

જામનગર આરોગ્ય વિભાગ ખાતેથી સંદર્ભ કાર્ડ કઢાવી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનો નારણભાઇએ સંપર્ક કર્યો. હોસ્પિટલે તરત જ વિજુને એડમીટ કરવાની તારીખ આપી. હોસ્પિટલમાં એડમીટ થતાં જ વિજુના મેડીકલ રિપોર્ટસ, નિદાન અને ઓપરેશનની પ્રક્રીયાઓ આરંભી દેવામાં આવી. બધુ જ એકદમ ઝડપી અને વ્યવસ્થિત થઇ રહ્યું. હોસ્પિટલ તરફથી તમામ સારવાર-સુવિધાઓ નિશુ:લ્ક પુરી પાડવામાં આવી. ઓપરેશનને એક મહીનો વિત્યો છે અને વીજુ હવે એકદમ સ્વસ્થ છે.

ઇન્સ્ટિટ્યુટના ડૉ. આર. કે. પટેલ જણાવે છે કે, ગુજરાતના આરોગ્ય તંત્રની આ એક સિદ્ધિ છે કે આપણે ગુજરાત અને ગુજરાત બહારના નવજાત શિશુઓ અને નાના બાળકોની હૃદયની બિમારી દુર કરવા માટે સર્વોત્તમ સુવિધાયુક્ત હોસ્પિટલ આપી શક્યા છીએ. તેઓ ઉમેરે છે કે, જામનગરની વિજુની જેમ હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર વર્ષે 1 હજારથી વધુ બાળકોની અહીં કાર્ડિઆક સર્જરી કરવામાં આવે છે. પિડ્રીયાટ્રીશીયન, ઈન્ટેસ્ટવિસ્ટ અને નર્સિગ સ્ટાફ તદઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ, દિન-રાત દર્દીઓની સેવા સુશ્રુષા માટે અહીં ખડે પગે રહે છે.

error: Content is protected !!