ગુજરાતની દીકરી બનશે કલ્પના ચાવલા, વિશ્વ લેવલે વધાર્યું આખા દેશનું ગૌરવ
રાજકોટ: રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઇ મોરવાડિયાની દીકરી આઇશાએ ગેટમાં 189મો ક્રમ મેળવી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો છે, જેને પગલે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવનાર આઈશા ગુજરાતમાં પ્રથમ વિદ્યાર્થિની બની છે. આ અંગે આઇશાએ જણાવ્યું હતું કે નાનપણથી જ મારું કલ્પના ચાવલા બનવાનું સ્વપ્ન હતું.
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેટ કોન્સટેબલ ઈકબાલભાઈની દીકરી આઈશાની મહેનત ખરા અર્થમા રંગ લાવી છે, જે સમાજની બીજી દીકરીઓ માટે પ્રેરણારૂપ છે. પોતાની સફળતા અંગે વધુમાં આઈશાએ જણાવ્યું હતું કે મને નાનપણથી સ્પેસમાં જવાનો શોખ છે. ધોરણ 10 અને ધોરણ 12માં સારા માર્ક્સ મેળવ્યા બાદ હું JEEની પરીક્ષાની તૈયારી માટે કોટા ગઈ હતી.
એ પરીક્ષા સારી રીતે પાસ કરતાં મને ચેન્નઈની KCG કોલેજમા એરોનેટિકલ એન્જિનિયરિંગમા એડમિશન મળ્યું હતું. વર્ષ 2016થી 2020 સુધી અભ્યાસ કર્યા બાદ 85 ટકા મેળવી મેં એરોનેટિકલ એન્જિનિયરિંગની ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે. ત્યારે હાલમાં GATEની પરીક્ષા પાસ કરીને IIT કાનપુરમાં સ્પેસ રિચર્સમા માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે.
આ અંગે આઈશાના પિતા ઈકબાલભાઈ મોરવાડિયાએ જણાવ્યું હતું કે આઈશા નાનાપણથી અભ્યાસ કરવામાં ખૂબ જ રુચિ ધરાવે છે. પ્રસંગોમાં હાજરી આપવા કરતાં તેમજ તહેવારોની ઉજવણી કરવા કરતાં પણ તેને અભ્યાસ કરવો ખૂબ જ ગમે છે. રોજના 12થી 14 કલાકનું વાંચન હાલની તારીખે પણ મારી દીકરી કરી રહી છે.
મારી દીકરીના ચેન્નઈ એડમિશન સમયે જે-તે સમયના રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખૂબ મદદ કરી હતી તેમજ હાલના કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પણ દીકરીને સન્માનિત કરવામાં આવી છે. તે મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની બાબત છે.
હાલ આઇશાના પરિવારની સાથે સાથે સમગ્ર રાજકોટ પોલીસ પરિવાર ગૌરવ લઇ રહ્યો છે, જેનું ખુદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. આજે પણ ભારતભરમાં અવકાશયાત્રીઓનાં નામની ચર્ચા થાય તો સૌકોઈના મુખે પહેલું નામ કલ્પના ચાવલાનું આવે છે, કારણ કે કલ્પના ચાવલા પહેલાં એવા ભારતીય હતાં, જેઓ અંતરીક્ષમાં ગયાં હતાં. રાજકોટ શહેરમાં પોલીસ હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ઈકબાલભાઈ મોરવાડિયાની દીકરી આઈશા આકાશને આંબવા જઈ રહી છે.
GATEમાં સફળતા મેળવ્યા બાદ તેને IIT કાનપુરમાં સ્પેસ રિસર્ચમાં માસ્ટર ઓફ સાયન્સના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ફોર્મ એપ્લાય કર્યું હતું અને એમાં એડમિશન પણ મળી ગયું છે, માટે કાનપુરસ્થિત કોલેજમાં પ્રવેશ મેળવી વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખી હાલ આઇશાએ 5 જાન્યુઆરીથી ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ચેન્નઇમાં એરોટેક્નિકલ એન્જિનિયર (B.E.)નો અભ્યાસ પૂરો કર્યો હતો તેમજ અગાઉ બીજિંગમાં 32 દેશની સ્પર્ધામાં આઇશાએ રોબોટ ડ્રોન બનાવી દેશનું ગૌરવ વધાર્યું હતું.