હાર્દિકે ફેન્સનાં જીત્યા દિલ,પંડ્યા શ્રીલંકાનું રાષ્ટ્રગીત ગાતો નજરે પડ્યો, શ્રીલંકન બોર્ડે પણ પ્રશંસા કરી

ઈન્ડિયાએ શ્રીલંકાને પહેલી T-20માં 38 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ઈન્ડિયન ટીમનો હાર્દિક પંડ્યા પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. વાત એવી હતી કે મેચની શરૂઆતમાં બંને ટીમ પોત-પોતાના રાષ્ટ્રગાન માટે મેદાનમાં આવ્યા હતા. તે સમયે હાર્દિક પંડ્યા ઈન્ડિયન સાથે શ્રીલંકન રાષ્ટ્રગીત ગાતો પણ નજરે પડ્યો હતો. હાર્દિકને પોતાના દેશનું રાષ્ટ્રગીત ગાતો જોઇને શ્રીલંકન બોર્ડ અને ફેન્સ તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. અત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાનું બેટિંગમાં નિરાશા જનક પ્રદર્શન
શ્રીલંકા ટૂર પર હાર્દિક પંડ્યાનું ફોર્મ સારુ જોવા મળી રહ્યું નથી. એણે વનડે સિરીઝ દરમિયાન 2 મેચમાં બેટિંગ કરીને માત્ર 19 જ રન કર્યા હતા. વળી, પહેલી T-20 મેચમાં પણ એ 12 બોલમાં માત્ર 10 રન કરી શક્યો હતો. જોકે એને લોઅર બેક ઈન્જરી બાદ ફરીથી બોલિંગ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો. વનડેમાં એણે 2 વિકેટ તથા પહેલી T-20 મેચમાં પણ તે 1 વિકેટ લઈ ચૂક્યો છે. આવામાં અત્યારે હાર્દિક પંડ્યાને ફિનિશર તરીકે સ્ક્વોડમાં સામેલ કરવો કે કેમ એ અંગે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે.

ઈન્ડિયાએ શ્રીલંકાને પહેલી T-20માં હરાવ્યું
મેચની વાત કરીએ તો ઈન્ડિયાએ શ્રીલંકાને પહેલી મેચમાં 38 રનથી પરાસ્ત કરી દીધું છે. શ્રીલંકન ટીમે ટોસ જીતી ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેવામાં સૂર્યકુમાર યાદવની ફિફ્ટી અને ધવનના 46 રનના કારણે ઈન્ડિયન ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 164 રન કરી શકી હતી. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ જતા, ઈન્ડિયાએ સરળતાથી મેચ જીતી લીધી હતી.

સૂર્યકુમારની ફિફ્ટી અને ભુવનેશ્વરની 4 વિકેટ
સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 50 રન કર્યા હતા. તો શ્રીલંકન ટીમને રન ચેઝમાં અટકાવી રાખવાનો શ્રેય ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરના ફાળે જાય છે. ભુવીએ બીજી ઈનિંગમાં 4 તથા દીપકે 2 વિકેટ લઈને શ્રીલંકન ટીમની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો હતો. શ્રીલંકાએ છેલ્લા 15 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

error: Content is protected !!