આસ્થાનું સ્થળાંતર:બ્રિજમાં નહીં નડેલું હનુમાનજીનું મંદિર સર્વિસ રોડમાં નડતું હોવાનું બતાવી હટાવવાનો કારસો

વડોદરાઃ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા ફ્લાય ઓવરના નિર્માણમાં બચી ગયેલા જે પી રોડ સ્થિત 50 વર્ષ જૂના હનુમાનજીના મંદિરને હવે સર્વિસ રોડમાં નડતરરૂપ બતાવી પાલિકાના અધિકારીઓએ ખસેડવા તખ્તો તૈયાર કર્યો છે. હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદીરને હટાવવા પાલિકાના અધિકારીઓ મંદીરના પૂજારી સહિતના વહીવટકર્તા સાથે 2 વાર બેઠક યોજી ચૂકયા છે. તેમજ મંદીર ખસેડી રસ્તો કરવા ચીમકી આપતા મામલો ગરમાયો છે.

મંદિરના વહીવટકર્તાઓ સાથે બેઠકો શરૂ
ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી રૂ.222 કરોડ ના ખર્ચે સાડા ત્રણ કિલોમીટર લાંબા ફ્લાયઓવરની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેને લોકાર્પણ કરવા માટેની કવાયત પણ શરૂ કરવામાં આવી છે. અલબત,જેપી રોડ પર આવેલી જીઇબી કોલોની સામેના ભાગમાં રોડ પર આવેલા હનુમાન દાદા ના મંદિરને ખસેડવા માટે તખ્તો ઘડ્યો છે. જેના માટે, પાલિકાના બ્રિજ વિભાગના અધિકારીઓએ મંદિરના વહીવટકર્તાઓ જોડે બેઠકો શરૂ કરી છે અને રસ્તો કાઢી આપવા સૂચના આપી છે.

મંદિરમાં રોજ 10 હજાર લોકો આવે છે
50 વર્ષ કરતા પણ જુના આ મંદિરનું બાંધકામ બ્રિજના સર્વિસ રોડમાં વચ્ચે આવતું હોવાનું કારણ આગળ ધર્યું છે. આ ભાગમાંથી જ બ્રિજ પર ચડવાનું શરૂ થશે અને તે 500 મીટર દૂર મનીષા ચોકડી પાસે ઉતરશે.કોરોનાની રફતાર ઓછી થતા પાલિકાએ વિકાસના નામે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હનુમાનજીના મંદિરને ખસેડવાનો તખ્તો ઘડતા વિવાદના મંડાણ થયા છે. આ મંદિરમાં રોજ 10 હજાર લોકો દર્શનાર્થે આવે છે. તેમજ દર શનિવારે 25 હજારથી વધુ લોકો દર્શન માટે આવે છે.

મંદિર હટાવી નાની ડેરી કરવાનો પાલિકાનો તખ્તો
જૂના પાદરા રોડ પરના હનુમાન મંદિર સર્વિસ રોડમાં નડરતર રૂપ હોવાનું બતાવી ખસેડવાની કવાયત શરૂ કરાઇ છે. જેમાં બ્રિજના પિલર પર ડેરી બનાવવાનો તખ્તો ઘડાતાં ભારે રોષ ફેલાયો છે.

રજૂઆત મળી છે, હજી કોઇ વિચારણા નથી
ફ્લાયઓવરના કારણે જે.પી.રોડનું હનુમાનજીનું મંદિર ખસેડવાનું કોઈ વાત હમણાં નથી આ મામલે મારી પાસે રજૂઆત આવી હતી, પરંતુ હાલમાં તેના માટે કોઇ કાર્યવાહી કરવાની કોઇ વિચારણા નથી.> કેયુર રોકડિયા, મેયર

મંદિર મૂળ સ્થિતિમાં રહેવા દો, આવેદન અપાયું
જેપી રોડ પર રસ્તાની વચ્ચે હોવાનું કારણ આપીને હનુમાનજી મંદિર ખસેડવાનો અગાઉ પ્રયાસ કરાતાં નિષ્ફળ થયો હતો. સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ આ મંદિર મૂળ સ્થિતિમાં જ રહેવા દેવાની માગણી કરી મેયરને આવેદન આપ્યું હતું.

error: Content is protected !!