યુક્રેનથી પરત આવ્યા ગુજરાતી વિદ્યાર્થીઓ, પરિવારને જોતા જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં, જુઓ ભાવુક કરતી તસવીરો
યુક્રેનના યુદ્ધ વચ્ચેથી ભારતીય વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરી રહ્યા છે. જેમા ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ સામેલ છે. આજે સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફરતા જ પરિવારજનોને ભેટીને રડી પડ્યા હતા. સાથે જ માતા-પિતાના ચહેરાં પર પોતાના બાળકો સુરક્ષિત પરત ફરતા ખુશી જોવા મળી રહી છે. સુરતમાં 6 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે જ્યારે અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓ 1 વાગ્યાની આસપાસ GMDC ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા. તેઓના સ્વાગત માટે શિક્ષણમંત્રી સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતા.
આ દિવસ જીવનભર યાદગાર બની રહેશે: બસ ડ્રાઇવર
યુક્રેનથી ગુજરાત પરત આવેલ વિદ્યાર્થીઓને ગુજરાત વાહન વ્યવહાર વિભાગની વોલ્વો બસ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા. ત્યારે આ બસના ડ્રાઇવર ભાસ્કર સાથે ખાનગી અખબારે ખાસ વાત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, આ અનુભવ તેમના માટે જીવનભર યાદગાર બની રહેશે, આ ઓપરેશન સાથે જોડાયા બાદ જાણે પોતે જ આ બાળકોનું વાલી હોય એ પ્રકારની લાગણી અનુભવી.
સાથે સાથે દેશ માટે કંઈક કર્યું હોવાનો ગર્વ થયો. અત્યાર સુધી આ પ્રકારની કટોકટી પરિસ્થિતિમાં ફ્લાઇટ અને પાયલોટની ભૂમિકા મહત્વની હોય છે, ત્યારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ આ વિદ્યાર્થીનું ગુજરાત પહોંચાડવા એ પણ મહત્વની જવાબદારી હતી, એટલે જ્યારે વિદ્યાર્થીઓ બસમાં બેઠા ત્યારે રાહત થઈ. પેટ્રોલ નહીં પરંતુ જ્યારે તેમની આંખે આ વિધાર્થીઓને તેમના માતા-પિતા સાથે ગળે મળતા જોયા, એ ક્ષણ ખૂબ મહત્વની હતી.
વિદ્યાર્થીઓના સ્વાગત માટે શિક્ષણમંત્રી GMDCમાં
આજે યુક્રેનથી ઘણાં વિદ્યાર્થીઓ મુંબઇ આવ્યા હતા.જેમાંથી અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓ 1 વાગે GMDC ઓડિટોરિયમ ખાતે પહોંચ્યાં હતા. વિદ્યાર્થીઓને લેવા માટે તેમના પરિવારજનો આવી પહોંચ્યા હતા. સાથે જ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ અમદાવાદ કલેકટર સંદીપ સાગલ, મેયર કિરીટ પરમાર અને અમદાવાદ ભાજપના પ્રમુખ અમિત શાહ પણ GMDC આવ્યા હતા.
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓનું સુરત સર્કિટ હાઉસમાં સ્વાગત
યુક્રેનના ચીનીવિસીયાથી 6 વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા છે. સુરત સર્કિટ હાઉસ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માતા-પિતાને મળતાની સાથે જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોતાની દીકરીને ગાડીમાંથી ઉતરતાની સાથે જ માતાને ભેટીને હર્ષના આંસુ જોવા મળ્યા હતા.
છેલ્લા આઠ દસ દિવસથી પોતાની દીકરીની ચિંતા કરનાર વાલીઓના આંખોમાં અશ્રુધારા જોવા મળી હતી. યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે પોતાના બાળકોને હેમખેમ જોતાની સાથે જ વાલીઓ પણ ભાવ થયા હતા અને ગળે ભેટીને જાણે ભગવાનનો આભાર માનતા હોય તે રીતે સાંત્વના આપતા જોવા મળ્યા છે.
વડોદરાના 21 વિદ્યાર્થીઓ આજે સવારે વતન પહોંચ્યા
યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ ત્યાંથી નિકળેલા વડોદરાના 21 વિદ્યાર્થીઓ આજે સવારે વતન પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓને લેવા માટે તેમના વાલીઓની આવ્યા હતા. તેમજ આ વિદ્યાર્થીઓનું વડોદરાના સાંસદ, મેયર, કલેક્ટર, પોલીસ કમિશનર અને ધારાસભ્યો સહિતના નેતાઓએ ફૂલથી સ્વાગત કર્યું હતું.