યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી સ્ટુડન્ટની હાલત દયનીય, રડી પડ્યા, કહ્યું-વસ્તુઓ ખરીદવા પડાપડી થઈ રહી છે

ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ કરવા વિદેશમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જતા હોય છે, ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયા છે. યુક્રેનમાં પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમના વાલીઓએ મિડીયા સાથે વાતચીત કરી હતી. જેમાં વાલીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત ગુજરાતમાં પરત લાવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત વાલીઓએ ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી.

પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો છે. જેમાં લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા પાટણના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મૂકાયા છે. યુક્રેનના કીવ, ટર્નોપીલ, ઓડીસા, વીનીસીયા અને ખારકીવ સહિતના અલગ અલગ રાજ્યોમાં પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે.

આજે ટ્રેનો અને ફ્લાઇટો બંધ થઇ ગઇ: વિદ્યાર્થીઓ
યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વીડિયો મારફતે જણાવ્યું હતું કે, એક મહિનાથી યુદ્ધના ભણકારા વાગતા હતા. બધાને ખબર હતી. છતાં કોઇ પગલા લેવાયા નહીં. ઓફલાઇન ક્લાસ લેવામાં આવતા હતા અને આજે ટ્રેન અને ફ્લાઇટ બંધ થયા પછી ઓનલાઇન ક્લાસનું કહેવામાં આવ્યું. કીવ ઇન્ટરનેશલ એરપોર્ટ પર રશિયન આર્મી આવી ગઇ છે. અમે ક્યાંય જઇ શકતા નથી. અહીંયા મોલ ખાલી થઇ રહ્યાં છે. ATM મશીનમાં પણ લાઇન લાગી છે અને પૈસા ખુટી રહ્યાં છે. જો લાઇટ અને ઇન્ટરનેટ બંધ કરી દીધુ તો અમે શું કરીશુ? અમે અમારા પરિવારને કઇ રીતે કોન્ટેક કરીશુ. સરકારને અમારી વિનંતી છે કે, અમને પરત ભારત અથવા સલામત સ્થળે ખસેડવામાં આવે.

પરિવારજનો ખૂબ ચિંતિત
કૌશિકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મારો પુત્ર યુક્રેનમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલો છે. અત્યારે ત્યાંની યુદ્ધની પરિસ્થિતિ જોતા લાગી રહ્યુ છે કે મારો પુત્ર ખૂબ ચિંતામાં છે. આજે સવારે તેની જોડે વાત થઇ, ત્યાનો માહોલ ખુબ ખરાબ છે. એમની રિટર્ન આવવાની ટિકિટ થઇ ગઇ હતી પણ ફ્લાઇટો રદ્દ થતાં તેમને એરપોર્ટ પરથી પરત મોકલી આપવામાં આવ્યાં છે.

અહિંયા તમામ વિદ્યાર્થીઓના પરિવારજનો ખૂબ ચિંતિંત છે અને ત્યાં વિદ્યાર્થીઓ ચિંતિંત છે. અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે, અમારા બાળકોને ગમે તેમ કરીને પરત લાવો. બાળકોને ત્યાં ATM મશીનમાં પણ લાઇનમાં ઉભા રહેવું પડે છે, કરિયાણા માટે પણ લાઇનોમાં ઉભા રહેવું પડે છે.

કરિયાણું અને રોકડ રકમની તકલીફ
મુકેશભાઈ ઓતિયાએ જણાવ્યુ હતુ કે, મારો પુત્ર યુક્રેનમાં અભ્યાસ કરે છે. જેની જોડે ગઇકાલે વાત થઇ હતી. જ્યાં તેમને કરિયાણા અને રોકડ રકમની તકલીફ પડી રહી છે અને બાળકોમાં ડરનો માહોલ છે. સરકારને વિનંતી કે અમારા બાળકોને સત્વરે પરત લાવો.

યુક્રેનની સ્થિતિ ખરાબ હોવાથી બાળકો ડરી ગયા: વાલી
નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારો પુત્ર યુક્રેનમાં અભ્યાસ કરે છે. ત્યાંની પરિસ્થિતિ ખરાબ છે. બાળકો ડરી ગયા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કઇપણ કરીને જો બાળકોને જલ્દી પરત લાવે તો તેમની ચિંતા અને વાલીઓની ચિંતા હળવી થાય.

ભારત લાવવા શક્ય ન હોય તો સલામત સ્થળે ખસેડાય
બીરેનભાઇ પટેલે જણાવ્યુ હતું કે, અત્યારે યુક્રેનમાં ફસાયેલા બાળકોને ખુબ ચિંતામાં છે અને અહીંયા વાલીઓ ચિંતામાં છે. આજે એક વિદ્યાર્થી પરત આવવાનો હતો પણ ફ્લાઇટ રદ્દ થતાં તેને એરપોર્ટ પરથી પરત જવા કહ્યું હતું. છોકરાઓ પૈસાને લઇને પણ ચિંતામાં છે. ATM મશીનમાં લાઇનો લાગી છે. તેમને કેસ મળશે છે કે નહીં તે સવાલ છે. સરકારને વિનંતી છે કે અમારા છોકરાઓને પરત લાવવામાં આવે અને જો તે શક્ય ન હોય તો સલામત સ્થળે લઇ જવાય.

ધારાસભ્યે પ્રધાનમંત્રીને રજૂઆત કરી
આ અંગે તમામ વાલીઓએ ભેગા મળીને પોતાના બાળકો પરત લાવવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા રજૂઆત કરી છે.

error: Content is protected !!