કેનેડામાં ફરી ગુજરાતીઓ રડી પડ્યા, ફસાયેલા છાત્રોએ જણાવી આપવીતી, લાખો રૂપિયા ખર્ચ્યા છતાં રોડ પર આવી ગયા

કેનેડા કયુબેક પ્રાંતમાં આવેલા મોન્ટ્રિયલની ત્રણ કોલેજને બંધ કરી દેવામાં આવતાં વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. આ 3 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એડમિશન લેતાં પહેલાં કોઇપણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી બની ગયો છે. ત્યાં ગયા પછી કોલેજને લઇ ઊભી થતી સમસ્યા ગંભીર બની જાય છે. ભારતીય એજન્ટો દ્વારા ચલાવાતા આ કોલેજો પાસે ત્યાં પૂરતા ડોકયુમેન્ટ ના હોવાથી સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. કેનેડામાં હાલમાં વડોદરાના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

કેનેડાના કયુબેક પ્રાંતના મોન્ટ્રિયલની ત્રણ કોલેજ સીસીએસકયુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ કોલેજને તાળાં વાગી જતાં અંદાજે 2 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. એમાં ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ પૈકી 10 જેટલા વડોદરાના અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતી વિદ્યાર્થીઓ ટોરન્ટો,આલ્બર્ટાના કેલગરી અને એડમોન્ટન, સાસ્કાચેવન, રેજીના જેવા શહેરોમાં વધુ જાય છે. બ્રિટિશ કોલંબિયા, વાનકુવરમાં પંજાબી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા વધવાને પગલે પંજાબી-હૈદરાબાદના એજન્ટો દ્વારા ઘણીબધી જગ્યાએ ખાનગી કોલેજોનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, જેમાં દસ્તાવેજો સહિતના ગોટાળા થતા હોવાથી કેનેડાની સરકાર આવી કોલેજો સામે પગલાં લે છે. જિલ્લા કલેકટર એબી ગૌરે જણાવ્યું હતું કે કેનેડામાં વિદ્યાર્થીઓ અટવાયા હોવા અંગે કોઇ ઇન્કવાયરી આવી નથી. જ્યાર઼ે સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે શહેરમાંથી હજુ કોઇપણ વાલીઓએ સંપર્ક કર્યો નથી. જોકે કોઇ મદદ માગશે તો તાત્કાલિક વિદેશ મંત્રાલયમાં જાણ પૂરતી મદદ કરાશે.

અમારી કોલેજે 2 અઠવાડિયાંને બદલે 1 મહિનાનું વેકેશન આપ્યું હતું, આ વેકેશન 10 જાન્યુઆરીએ પૂરું થયું હતું, ત્યાર બાદ અમારી કોલેજ શરૂ નથી થઈ. આ કોલેજ પાસે ફંડ નથી, જેને કારણે તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાની ના પાડી છે. કોલેજ બંધ થવાને કારણે અમારા અભ્યાસ પર અસર પડી રહી છે અને જેટલું અમારું ભણતર લંબાશે એટલી અમને તકલીફ પડશે, કારણ કે વિઝાને લંબાવવા માટે પણ અહીં ઘણો ખર્ચો થાય છે.

આ ત્રણ કોલેજ પ્રાઈવેટ કોલેજ રાઈઝીક ફોનિક નામની કંપની છે. આ કંપની પાસે ફંડ નથી એટલે અમારી કોલેજ બંધ છે અને ઈતિહાસમાં પહેલીવાર છે કે કોઈ કોલેજે વિદ્યાર્થીઓને ભણાવવાની ના પાડી દીધી હોય, કેનિડિયન નિયમ પ્રમાણે જ્યારે વિદ્યાર્થી ભણતો હોય તો જ તે કોઈ જગ્યાએ કામ કરી શકે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે. -કેવલ મોરાડિયા કેનેડા, (મૂળ સુરત)

કોલેજો બંધ થવાથી વિદ્યાર્થીઓને કોઇ પરેશાની નહિ થાય. તેમની પાસે બે ઓપ્શન છે- એક તો જે વિદ્યાર્થીઓની ડીગ્રી પૂરી થતી હશે તો તેમને ડીગ્રી મળી શકે છે અને બીજા ઓપ્શનમાં વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર મળી શકે છે. ફી પણ રિફંડ મળે એ પ્રકારના લો હોવાથી ઇસ્યુ નહિ થાય. – મેરી, ડાયરેકટર,ગ્લોબલ કોલાઇન્સ

કેનેડાના મોન્ટ્રિયલમાં રહેતી મૂળ વડોદરાની વિદ્યાર્થિની વૈરાગી શાહે મિડીયા સાથે વાત ચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે વેલિડ વિઝા છે. વિદ્યાર્થીઓને ફી રિફંડ મળી જશે અને અન્ય કોલેજમાં પણ પ્રવેશ આસાનીથી મળી જશે, બાકીનો અભ્યાસ પૂરો કરી શકશે.

હાલ કેનેડામાં અટવાયેલા વિદ્યાર્થીઓ મુજબ મોન્ટ્રિયલની આ ત્રણ કોલેજ છેલ્લાં 15 વર્ષથી કાર્યરત છે અને માત્ર 4-5 વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપી રહી છે, એટલે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે જે પ્રસિદ્ધ કોલેજ હોય એમાં જ એડમિશન લેવું.

error: Content is protected !!