કેનેડામાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, ‘ન ઘરના રહ્યા કે ન ઘાટના’
કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં આવેલી ત્રણ કોલેજોને ફંડિગ ન મળવાને કારણે બંધ કરવી પડી છે. ત્યાંની કોલેજમાં ભણતા એક ગુજરાતી વિદ્યાર્થીએ આ અંગે જાણીતા અખબાર સાથે વાત કરતાં સમગ્ર માહિતી આપી છે. વિદ્યાર્થી કહે છે, ‘હું મૂળ મહેસાણાનો છું અને CCSQ કોલેજમાં મેડિકલ ઓફિસર સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરું છું. અમારી કોલેજને ફંડિંગ ન મળવાને કારણે બંધ કરવી પડી છે. હું અંદાજે 25 લાખ રૂપિયા ખર્ચીને અહીં ભણવા આવ્યો છું.’
કેમ કોલેજો બંધ કરવાનો વારો આવ્યો?
આ અંગે જણાવતાં તે કહે છે, ‘ક્યૂબેક પ્રાંતમાં ફ્રેન્ચ ભાષા વધુ પ્રિફર કરવામાં આવે છે, તેથી અહીં અંગ્રેજીમાં ચાલતી સરકારી અને ખાનગી કોલેજોને સરકારે ફંડિંગ આપવાની ના પાડી દીધી છે, જેને કારણે કોલેજોને તાળાં મારવાનો વારો આવ્યો છે. ભારતીય મૂળના તમામ વિદ્યાર્થીઓ મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં ભણેલા હોય છે અને અહીં પણ અંગ્રેજી માધ્યમમાં જ ભણતા હોય છે,
પરંતુ અહીંની સરકાર ફ્રેન્ચ ભાષાને જ પ્રાધાન્ય આપે છે. ક્યૂબેક સરકારે સંસ્કૃતિ બચાવવાની હોડમાં 10 જેટલી કોલેજને સસ્પેન્ડ કરી નાખી હતી. ત્યારે આ કોલેજોએ સરકાર સામે લડત આદરી સસ્પેન્શન તો રદ કરાવી દીધું હતું, પણ ફંડિંગ ન મળવાને કારણે હવે કોલેજો બંધ કરવાનો વારો આવ્યો છે.’
‘અમારી પાસે માત્ર ત્રણ જ રસ્તા છે’
તે વધુમાં કહે છે, ‘અહીં 100થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. હવે વિદ્યાર્થીઓ પાસે માત્ર ત્રણ જ ઓપ્શન છે. જો વિદ્યાર્થીએ કેનેડામાં જ રહેવું હોય તો નિયમ પ્રમાણે તેમણે 150 દિવસની અંદર જ કોલેજ ચેન્જ કરવી પડશે. બીજો રસ્તો એ છે કે ભારત પરત ફરવું પડશે અને ત્રીજો રસ્તો એ છે કે વિઝિટર વિઝા પર સ્ટડી પૂરું કરવાનો! ત્યારે અહીં ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ વિઝા માટેની પ્રોસેસ ફરીથી કરી હતી, પરંતુ તેમના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા હતા, તેથી હવે તેમની પાસે માત્ર ભારત આવવા માટેનો એક જ ઓપ્શન વધ્યો છે’
વિદ્યાર્થીએ કહ્યું, ‘અમારી હાલત ‘ન ઘરના ન ઘાટના’ જેવી!’
તે કહે છે, ‘અમારી હાલત અત્યારે ‘ન ઘરના, ન ઘાટના’ જેવી થઈ છે. ના અમે અહીં સ્ટડી કરી શકીએ છીએ કે ના કામ કરી શકીએ છીએ! કારણ કે કેનેડિયન સરકારના નિયમ પ્રમાણે, જો અમારે કામ કરવું હોય તો કોઈપણ એક શૈક્ષણિક સંસ્થામાં અમે ભણતા હોઈએ એ જરૂરી છે, તેથી અમે લીગલી કામ પણ નથી કરી શકતા. હાલ તો અમારો રહેવા-ખાવાનો ખર્ચો GIC પર ચાલે છે. GIC એટલે કેનેડિયન સરકાર 10 હજાર ડોલરની રકમ ભારતથી કેનેડા આવતી વખતે ડિપોઝિટ તરીકે કેનેડિયન બેન્કમાં ભરાવડાવે છે અને એમાંથી દર મહિને વિદ્યાર્થીઓને ઇન્સ્ટોલમેન્ટ આપે છે. હાલ તો આ એક જ અમારી માટે રૂપિયાનો સોર્સ છે!’
ત્યાંની સરકારે કોઈ મદદ કરી છે?
ના, અહીંની સરકારે અમને કોઈ જ મદદ કરી નથી. અમે આ મામલે કેનેડિયન એજ્યુકેશન મિનિસ્ટ્રીને પણ જાણ કરી છે, પરંતુ તેમના તરફથી પણ કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી, કારણ કે કેન્દ્રમાં સરકાર જુદી છે અને ક્યૂબેક પ્રાંતમાં જુદી સરકાર છે. આ બંને સરકાર વચ્ચે કોઈ જ પ્રકારનો તાલમેલ ન હોવાથી અમને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. તેટલું જ નહીં, અમારામાંથી કેટલાકે ઇન્ડિયન એમ્બેસીને પણ મેલ કરીને હાઇકમિશનને આ અંગે જાણ કરી હતી, પણ તેમનો પણ રિસ્પોન્સ આવ્યો નથી.
અમે -30 ડીગ્રીમાં આંદોલન કર્યું: વિદ્યાર્થી
વિદ્યાર્થી વધુમાં કહે છે કે ‘આ મામલે અમે 29 જાન્યુઆરીએ લસાલમાં આવેલા ગુરુ નાનક દરબારમાં આંદોલન પણ કર્યું હતું. માઇનસ 30 ડીગ્રી તાપમાનમાં ઊભું પણ ના રહી શકાય એવી સ્થિતિમાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓની માગ એટલી જ છે કે તેમનું શિક્ષણ પૂરું કરવામાં આવે. આ મામલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી કોઈ નિર્ણય લે.’
‘બને ત્યાં સુધી સરકારી કોલેજમાં જ એડમિશન લેવું’
આ વિદ્યાર્થી કેનેડા આવતા વિદ્યાર્થીઓને સલાહ આપતા કહે છે કે ‘કોઈપણ કોલેજમાં એડમિશન લેતાં પહેલાં એ કોલેજ વિશે પૂરેપૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. એનો ઇતિહાસ તપાસી લેવો જોઈએ. એટલું જ નહીં, બને ત્યાં સુધી સરકારી કોલેજમાં એડમિશન મળે એવો જ પ્રયત્ન કરવો જોઈએ. ખાનગી કોલેજમાં બને ત્યાં સુધી એડમિશન ન લેવું જોઇએ.’