‘મારો પતિ ઘરે નથી’ કહી યુવાનને હોટલમાં રાત્રિ રોકાણ માટે બોલાવ્યો, અને કરી નાખ્યો મોટો કાંડ
રાજકોટમાં ફરી એક વખત હની ટ્રેપની ઘટના સામે આવી છે. લીંબડીના ખંભલાવના યુવાનને રાજકોટની યુવતીએ મારો પતિ ઘરે નથી તેમ કહી હોટેલમાં રાત્રિ રોકાણની લાલચ આપી ગ્રીનલેન્ડ ચોકડી બોલાવ્યો હતો. બાદમાં ચોટીલા નજીક હોટેલ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી 3 યુવાનો આવી પોલીસની ઓળખ આપી બે મોબાઇલ, રોકડ રકમ સહિત 90 હજાર પડાવી લીધા હતા. જોકે સમગ્ર મામલે પોલીસે એક યુવતી સહિત 3 આરોપીની ધરપકડ કરી ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ પોલીસે પકડેલા આરોપીઓમાં જીતુદાન જેસાણી, રાહુલ નિમાવત અને જાનકી ઉપરાનો સમાવેશ થાય છે. આ બનાવમાં જામનગરની નિકીતા ગોપીયાણીએ તેના પતિ અને પતિના મિત્રો સાથે મળી હની ટ્રેપનો પ્લાન ઘડ્યો હતો. જેમાં લીંબડીના યુવાનને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી બોલાવ્યો હતો. ત્યારબાદ ચોટીલા નજીક લઇ ગયા હતા.
અહીં નિકીતાનો પતિ સંદિપ ગોપીયાણી અને તેના મિત્રો પહોંચી કાર રોકી પોલીસ તરીકે ઓળખ આપી ધાક ધમકી આપી હતી. દરમિયાન યુવક પાસેથી 40,000થી વધુની રોકડ રકમ તેમજ 45,000 કિંમતના બે મોબાઇલ ફોન પડાવી લઇ ગુનો આચર્યો હતો. ફરિયાદી યુવાને પોલીસને જાણ કરતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી ફરાર મુખ્ય મહિલા આરોપી સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.
પોલીસનાં કહેવા મુજબ ફરાર આરોપી નિકીતા ગોપીયાણી લીંબડીના યુવાનોનો સંપર્ક કરી મિત્રતા કેળવી બાદમાં તેનો પતિ ઘરે નથી માટે રાત્રિ દરમિયાન બહાર હોટેલમાં જવા લાલચ આપી હની ટ્રેપ માટે પ્લાન બનાવ્યો હતો. આ મુજબ યુવક સાથે નિકીતા ઉર્ફે પૂજા કારમાં બેસી જતા પાછળથી અન્ય 3 યુવાનો આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને કેસ રફેદફે કરવા રૂપિયાની માંગ કરી માર માર્યો હતો. આરોપીઓએ યુવક પાસેથી 8500 રોકડ તેમજ ATMમાંથી વધુ 38,000 ઉપાડી અને 45,000 કિંમતના બે મોબાઇલ પડાવી લીધા હતા.
યુવાનોને પ્રેમજાળ અને મિત્રતામાં ફસાવીને હની ટ્રેપનો શિકાર કરતી ટોળકીના 3 સભ્યોને પકડી પોલીસે જેલનાં સળિયા ગણતા કરી દીધા છે અને ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં અવાર નવાર આ પ્રકારનાં ગુનાઓ સામે આવતા હોય છે અને વર્ષ 2021માં આજ રોજ પકડાયેલા આરોપી પૈકી જાનકી અગાઉ હની ટ્રેપના ગુનામાં આજીડેમ પોલીસના હાથે ઝડપાઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 3 આરોપીને કુલ 3 લાખ 51 હજારના મુદામાલ સાથે પકડી પાડી ફરાર મુખ્ય આરોપી નિકીતા ગોપીયાણી,તેનો પતિ સંદિપ ગોપીયાણી અને જયદિપ ગોહિલની શોધખોળ હાથ ધરી છે.