ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને ધમકી: ‘મને એક કરોડ મોકલી આપો નહીં તો ત્રણ મહિનામાં ઉપાડીને ફેંકી દઈશ’

બનાસકાંઠા: બનાસકાંઠાના એક કથાકારે વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપતા ખળભળાટ મચ્યો છે. બે મિનિટના વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા આપી જવાની માગ કરી રહ્યા છે. જો પૈસા નહીં આપે તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી આપી રહ્યો છે. કથાકારના આ વીડિયો મામલે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

અગિયાર દિવસમાં એક કરોડ આપી જવા કહ્યું
જે વીડિયો વાઈરલ થયો છે તેમાં કથાકાર તેની ઓળખ બનાસકાંઠાના વાવ તાલુકાના બટુક મોરારિબાપુ મહેશ ભગત તરીકે ઓળખ આપી રહ્યો છે. અંદાજે બે મિનિટના વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને સંબોધીને કહી રહ્યો છે કે અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા મોકલી આપો નહીં તો ત્રણ મહિનામાં જ ઉપાડીને ફેંકી દઈશ.

શું છે વાઈરલ વીડિયોમાં?
જે વીડિયો વાઈરલ થયો છે તે 1 મિનિટ 49 સેકન્ડનો છે. જેમાં કહી રહ્યો છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામ કથાકાર બટુક મોરારિબાપુ બોલી રહ્યો છું. વાવ બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારિબાપુ. અગિયાર દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો નહીં તો ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહીં કરવા દવ અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ.

એક કરોડ રૂપિયા પકડાવી જજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદીએ બેસાડ્યા છે ને તો એક કરોડની દક્ષિણા આપી જાવ. એક કરોડ, એકપણ રૂપિયો કમ નહીં.અને એ પણ આજે તારીખ 25 થઈ છે. 5મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી એક કરોડ રૂપિયા મને પકડાવી જજો. તો ટેસથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. નહીં તો દોસ્ત ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ. હું બટુક મોરારિબાપુ બોલું છું મહેશ ભગત વાવ.

વીડિયો વાઈરલ થયા બાદ કથાકાર ફરાર
બટુક મોરારિબાપુ મહેશ ભગતનો વીડિયો વાઈરલ થયા બાદ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!