કીર્તિદાનના ડાયરામાં રૂપિયાના વરસાદ વચ્ચે યુવાને હવામાં ફાયરિંગ કર્યું, જુઓ તસવીરો
ગુજરાતમાં લગ્નપ્રસંગો દરમિયાન ફાયરિંગની ઘટના સામાન્ય બની છે. પરંતુ, હવે તો તેમાંથી લોકડાયરા પણ બાકાત નથી રહ્યા. અંકલેશ્વરના કાપોદ્રા ગામે પાસે આવેલા ઋષિકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ધર્મ સંમેલન યોજાયું હતું. જે અંતર્ગત રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોટોના વરસાદ વચ્ચે એક શખ્સે હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા ગાયક કલાકાર પણ ડઘાઈ ગયા હતા. ફાયરિંગ કરનાર આ શખ્સનું નામ વિક્રમ ભરવાડ છે.
આ ધર્મ સંમેલનમાં વડતાલધામ સત્સંગ મહાસભા પ્રમુખ નૌતમ સ્વામીએ પ્રવચન રજૂ કર્યું હતું. જે બાદ રાતે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોક ગાયક કીર્તીદાન ગઢવી, ઋષિ અગ્રવાન, દિલિપ પટેલ અને જિગ્નેશ બારોટે ભજનોની રમઝટ બોલાવી હતી. શાંતિ પ્રિય સ્વામી નારાયણ સંપ્રદાયના લોક ડાયરામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી.
એક યુવક ચાલુ ડાયરામાં ફાયરિંગ કરી રહ્યો હતો જ્યારે અન્ય યુવક રૂપિયા ઉડાડી રહ્યો હતો. ફાયરિંગની ઘટનાને પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ધર્મ સંમેલનમાં સંરક્ષણ હિન્દુ ધર્મ સેના ગુજરાતના માધવપ્રિય સ્વામી અને સંતો તેમજ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને ઋષિકુલ ગૌધામ દ્વારા ધર્મ સંમેલન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રીલાયન્સ પેટ્રોલ પંપ સ્થિત ઋષિકુલ ગૌધામ ખાતે યોજાયો હતો. આ ધર્મ સંમેલનમાં શાકોત્સવ અને રક્તતુલા કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વામી નારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ ઉત્સાહભેર રકતદાન કર્યું હતું.
આ ધર્મ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રક્તદાન થકી પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની તુલા કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, લોકડાયરામાં ફાયરિંગની ઘટના બની તે સમયે પ્રદેશ અધ્યક્ષ હાજર ન હતા. તેઓ ચાલ્યા ગયા હતા જે બાદ લોકડાયરામાં ફાયરિંગની ઘટના બની હતી.