યુક્રેનનાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત દયનીય, ભોંયરામાં આશરો, જુઓ કંપારી છોડાવી દેતી તસવીરો

યુક્રેન પર રશિયાના હુમલાથી ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ સર્જાઈ છે. અહીં વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરવા ગયા છે. યુદ્ધની સ્થિતિમાં તેમની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને સલામત સ્થળે આશરો અપાય છે. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનમાં રાત ગુજારવી પડી છે. આ વિદ્યાર્થીઓમાં અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, કાલોલ વગેરેના વિધાર્થીઓ પણ છે.

આ વિશે વિધાર્થીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓએ યુનિવર્સિટી એ એલર્ટ કર્યા બાદ રુમ છોડી દીધો અને કેમ્પસમાં બેઝ મેન્ટમાં આવી ગયા. તેમણે એક બેગમાં એક જોડી કપડાં, જરૂરી નાસ્તો, પાવર બેન્ક જ લીધા જ્યારે બાકી સમાન રૂમમાં છોડી દીધો. અત્યારે સૌથી મોટી સમસ્યા પાવરની છે કેમ કે તેમના વાલીઓ રોઇ રહ્યા છે. જેથી દર કલાકે વાલીઓને ફોન કરીને સલામત છે તેમ કરવા તેમને બેટરી બચાવી પડે છે. આ માટે તેઓ ફોન કરી ફ્લાઇટ મોડ પર મૂકી દે છે. પાવર પણ ઘડીએ પડીએ જતો રહે છે. બોમ્બના ધડાકા અને સાઇરનોનો અવાજ તેમને ડરાવી રહ્યો છે.

વિધાર્થીઓએ જણાવ્યું હતું કે,10 જણની બેચમાં તેમને જમવા લઈ જાય છે. ભોંયરામાં ખીચોખીચ રહવું પડે છે. ત્યાં સુવા ગાદલા છે પણ કોઈ સૂઈ નથી રહ્યું. નજીકનું ટોઇલેટ જ બધાએ યુઝ કરવાનું છે જેથી કોઈ જોખમ ના રહે. કેટલાયના પાસપોર્ટ ટેમ્પરરી રેસિડન્ટ કાર્ડ (ટીઆરસી) માટે એમ્બેસિમા જમા છે. જેથી પાસપોર્ટ ક્યારે મળશે તેની બધાને ચિંતા છે. બધાને ઘરે ક્યારે પરત ફરવા મળશે તેની ચિંતા છે. હાલમાં યુનિવર્સિટીનો સ્ટાફ તેમને મદદ કરી રહ્યો છે પણ તમામ ભયથી ફફડી રહ્યા છે અને યુદ્ધ પૂરું થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. !!

યુક્રેનમાં ફસાયેલા 100 વિદ્યાર્થીઓ ગુજરાત આવવા રવાના, આજે મુંબઈ કે દિલ્હી આવશે
યુક્રેનમાં ફસાયેલા આશરે 2475 પૈકી 100 વિદ્યાર્થીઓના એક જૂથ શનિવાર કે રવિવારે ગુજરાત આવે તેવી શક્યતા છે. ગુજરાત સરકાર દ્વારા એવી સત્તાવાર જાહેરાત કરાઈ છે કે ભારત સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી વાયા રોમાનીયાથી પરત લાવવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દિલ્હી અને મુંબઈ એરર્પોટ પર ઉતરશે. ભારતીય વિદ્યાર્થીઓમાં 100 ગુજરાતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તબક્કાવાર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. 100 વિદ્યાર્થીઓની પ્રથમ બેંચ શનિવારે આવે તેવી શકયતા છે. ગુજરાતના વિદ્યાર્થીઓને દિલ્હી અને મુંબઇથી ગુજરાત લાવવા માટે બે અધિકારીઓને જવાબદારી સોપાઇ છે. યુક્રેનમાં ફસાયેલી એક વિદ્યાર્થિનીના વાલી અજય પંડયાએ કહ્યું હતું કે,તેમની પુત્રી બીજી બેચમાં પરત આવશે.

સુરતમાં યુક્રેનના વિદ્યાર્થીઓના વાલી સી. આર. પાટીલને મ‌ળવા ઓફિસે પહોંચ્યા
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને પગલે સુરતથી અભ્યાસ કરવા માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓની સ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે. પોતાના બાળકોની સુરક્ષા માટે વાલીઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં સી.આર. પાટીલે બાળકો સાથે વીડિયોકોલથી વાતચીત પણ કરી હતી.બાળકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર ખૂબ જ ઝડપથી તેમને પરત લાવવા માટેનો પ્રયાસ કરી રહી છે.વીડિયો કોલ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે વાતચીત કરતાં વિદ્યાર્થીઓ કહ્યું હતું કે યુક્રેનમાં હાલ તણાવયુક્ત સ્થિતિ છે. વિદ્યાર્થીઓને અલગ સ્થળે લઈ જવાઈ રહ્યા છે.

પાટીલે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહીની હૈયાધારણા આપી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જે પ્રકારે માહિતી મળી રહી છે. તે મુજબ ઇન્ડિયન એમ્બેસી દ્વારા જેટલા પણ બાળકો સંપર્કમાં છે. તેમને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ 500 જેટલા બાળકોને ઇન્ડિયન એમ્બેસી ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમની તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરી છે. જેમાં તેમણે ભારતીય નાગરિકોની સુરક્ષાની ચિંતા વ્યકત કરી હતી.

ફર્સ્ટ પર્સનઃ અમારી પાસે ત્રણ દિવસનું ખાવાનું, પાણીની બે જ બોટલ
હું ડિસેમ્બરમાં મેડિકલનો અભ્યાસ કરવા આવી હતી. અમે કિવ છોડીએ તે પહેલા જ ફસાઇ ગયા છીએ. અમારી પાસે થોડો લોટ, ચોખા પડયા છે જે ત્રણ દિવસ ચાલશે. બે-ત્રણ પેકેટ વેફર પડી છે જે રસ્તામાં અન્ય દેશની બોર્ડર પર જતા સમયે કામ લાગે તે માટે રહેવા દીધી છે. તમામ ડિપાર્ટમેન્ટલ સ્ટોર બંધ છે, એટીએમ પણ બંધ છે. હોસ્ટેલમાં પાણી નથી, બહાર નીકળીને ભરવા જવું પડે છે. જોકે બહાર નીકળ્યા તો પણ પાણી મળ્યું નથી. હવે માત્ર બે બોટલ પાણી છે. ભારતીય સમય પ્રમાણે 4.30 વાગ્યે હોસ્ટેલ પાસે મીસાઇલ હૂમલો થતાં અમે બધા બંકરમાં જતા રહ્યા છીએ. વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી બંકર બેસવું પણ મુશ્કેલ છે. ભારતીય એમ્બેસીમાં કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. અમને અહીથી બહાર કાઢો તેવી વિનંતી છે. > ખુશનુમા પઠાણ, વડોદરાની વિદ્યાર્થીની

એમ્બેસીએ વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે
અમે હાલ ઓડેસામાં સુરક્ષિત છીએ. મારી સાથે ગોંડલ અને જામનગરના વિદ્યાર્થીઓ પણ છે. અહીં છેલ્લા 24 કલાકથી શાંતિ છે, કોઈ બોમ્બમારો નથી. અહીં એમ્બેસીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે.જો મદદ અમારે યુક્રેન બોર્ડર સુધી પહોંચવું પડશે જે અમારા સ્થાનથી 800 કિ.મી દૂર છે અને જો હુમલો થાય તો શું તેનો ડર છે. – હર્ષ સોની, રાજકોટનો વિદ્યાર્થી

રાત્રે ટેન્કો પસાર થતી હતી જે ભયાનક વાતાવરણ હતું
24 ફેબ્રુઆરીએ ફલેટ પર હતા અને અમારા મિત્રનો ફોન આવ્યો કે હોસ્ટેલ આવી જાવ. મને રાત્રે જાગવાની સૂચના અપાઇ હતી કારણ કે રાત્રે એટેક થાય છે. હોસ્ટેલની બહાર રાત્રે ટેન્કો પસાર થતી હતી જે ભયાનક વાતાવરણ હતું. હોસ્ટેલમાં બેગ તૈયાર રાખી છે. સાઇરન વાગે એટલે બંકરમાં જતા રહીએ છીએ. – ખુશાલી પરીખ, ચોકોવસ્કી હોસ્ટેલમાં આશરો લેનારી વડોદરાની વિદ્યાર્થીની

ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓની ચિંતા કોરી ખાય છે
એરલીફ્ટ કરાનારી પ્રથમ બેચમાં 240 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે, જેમાં ભાવનગરની હું અને વેનેસા પનોતને પસંદ કરાયા છે. જોકે, મારી સાથેના ભાવનગરના અને ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓનું હવે શું થશે તેની ચિંતા પણ કોરી ખાય છે. – પ્રાપ્તિ કામદાર, ચર્નિવિત્સિથી ભાવનગરની વિદ્યાર્થીની

error: Content is protected !!