રાજભા ગઢવી આકરા પાણીએ, કહ્યું- નરાધમ જીવતો ગયો એ તમાશો જોતા લોકોની નપૂંસકતા કહેવાય

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો વધ્યા છે અને ગુનેગારોને જાણે કાયદાનો ડર રહ્યો જ નથી.. સુરતના પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કરપીણ હત્યા કરી નાખી છે ત્યારે એક શોકિંગ અને અરેરાટીભરી ઘટનાએ આખા ગુજરાત રડાવી દીધું છે. તેના પડઘા રાજકોટમાં પડ્યા છે. આ મુદ્દે જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરીને નિવેદન આપ્યું હતું કે,

જાહેરમાં હત્યા થઈ છતાં બધા નમાલાની જેમ વીડિયો ઉતારતા રહ્યા, આવા સમયે લોકોએ યુવતીને બચાવવી જોઈએ. આ બનાવ આપણા બધા માટે લાલબત્તી સમાન છે. ડ્રગ્સના રવાડે ચડેલા ગુજરાતના યુવાધનની મને ચિંતા થાય છે. સાહિત્ય જગતમાં પણ પ્રેમ માટે કોઈએ હત્યા કરી હોય તેવી વાત નથી તો આવું હીન કૃત્ય કેમ થયું

પશ્ચિમી સંસ્કૃતિ પર પ્રહાર કર્યા
ઉલ્લેખનીય છે કે રાજભા ગઢવીએ આ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને પોતાના બાળકોને કેવી રીતે સાચવવા અને દિકરીઓને પોતાની સ્વરક્ષા કેમ કરવી અને ઈતિહાસમાં કઈ રીતે દીકરીઓની રક્ષા થતી હતી. તેના પણ ઉદાહરણો આપ્યા હતા. આ ઉપરાંત રાજભા ગઢવીએ પશ્ચિમી સંસ્કૃતિ પર પણ પ્રહારો કર્યા હતા.

આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે
જયારે બીજી તરફ ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવાને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું છરીથી ગળું કાપી હત્યા કરી હત્યા કરનાર યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીને હેરાન કરતો હતો. ગુજરાતમાં જાણે જંગલરાજ હોય તેવું ચિત્ર બની રહ્યું છે. ઠેર-ઠેર લવરમૂછિયા યુવાનો છરી સાથે ફરતા જોવા મળે છે. પોલીસનો ડર જ ન રહ્યો હોય ત્યારે મારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને અને તે દોષિત યુવકને ફાંસીની સજા આપવામાં આવે તેવી મારી માંગ છે.

ઘટના શું હતી?
પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લીધી હતી
અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપીને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે એ માટે હૈયા ધરપત આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે.

આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે
ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે, જેથી મજબૂત પૂરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે કે જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.

error: Content is protected !!