લાડલી બહેનને ભાઈએ આપી મુખાગ્નિ, લાચાર માતા-પિતાનું હૈયાફાટ રૂદન, સર્જાયા ભાવુક દ્રશ્યો

આજે ખૂબ ગમગીનીભર્યો દિવસ છે. સુરતમાં આજે મામૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. ગ્રીષ્માના પિતા આજે વહેલી સવારે આક્રિકાથી ઘરે આવી ગયા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. લાડલી દીકરીના દેહને ભેટીને પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. તો માતાના કરુણ આક્રંદે આખા સુરતને ધ્રુજાવી દીધું હતું. આ તકે હાજર સૌ કોઈ રડી પડ્યું હતું. એક આંખે એવી બાકી નહોતી કે જે ભીની ન થઈ હોય.

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું.

આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે.

સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.

ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી.

ગ્રીષ્માની અંતિમ યાત્રા પોલીસ બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતાં. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.

સ્મશાનમાં આવેલા લોકોએ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. દીકરીઓ સલામત ન હોવાનું કહેતા લોકોએ કહ્યું કે, દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે તે માટે આકરી સજા થાય તે જરૂરી છે.

સ્મશાન યાત્રામાં લોકો બાઈક અને કાર સહિતના વાહનોમાં જોડાયા હતાં. જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક તરફથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે.

પાસોદરા ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિનીકુમાર સ્મશાન સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્મશાનમાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. કામરેજ, સરથાણા, કાપોદ્રા, વરાછા અને કતારગામ અને ટ્રાફિકના તમામ સેક્ટરને જે તે વિસ્તારની પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.આ વિસ્તારના એસીપી, ડીસીપી, અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી.સ્મશાન લઈ જવાતા રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.

ઘટના શું હતી?
12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

error: Content is protected !!