ગુજરાતમાં યુવતીઓમાં નવો શોકિંગ ટ્રેન્ડ, કરાવી રહી છે ન્યૂડ ફોટોગ્રાફી, જુઓ તસવીરો

જ્યોર્જ બર્નાર્ડ શો એ ખૂબ સરસ વાત કરી હતી કે ‘અશ્લીલતા ટેલિફોન ડિરેક્ટરી સિવાયના દરેક પુસ્તકમાં છે, એટલે તમારે કાઢવી હોય તો ગમે ત્યાંથી અશ્લીલતા કાઢી શકો છો.’ આ શબ્દો છે ફોટોગ્રાફર ગૌરાંગ આનંદના. ગઈકાલે (19 ઓગસ્ટ) વર્લ્ડ ફોટોગ્રાફી ડે હતો. આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે, જેના વિષે જાણવાની ઉત્સુકતા હોય છે અને કોઈપણ રીતે જાણીએ પણ છીએ. એમ છતાં ખૂલીને આવા વિષયો પર ચર્ચા નથી કરતાં અથવા એને છુપાવવાનો પ્રયત્ન કરી છીએ. ફોટોગ્રાફીમાં પણ આવી જ એક છે બૂડવા ફોટોગ્રાફી. આ કોન્સેપ્ટ ભારતમાં શરૂ થયો છે, પરંતુ હજુ સુધી એના વિશે લોકો વાત કરવાનું ટાળતા હોય છે. બૂડવા ફોટોગ્રાફીમાં મોટે ભાગે અર્ધનગ્ન કે નગ્ન ફોટોગ્રાફી થતી હોય છે. જાણીને નવાઈ લાગશે કે હમણાં જ આવેલી ગુજરાતી ફિલ્મ ‘રાડો’ના એક્ટર ગૌરાંગ આનંદ પણ આવી ફોટોગ્રાફી વર્ષોથી કરે છે. મિડીયાએ આ અંગે તેમની સાથે વાત કરી હતી અને આ ફોટોગ્રાફી અંગે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

ગૌરાંગે આ વિશે જણાવ્યું હતું કે બૂડવા ફ્રેંચ શબ્દ છે, જેનો અર્થ છે સ્ત્રીનો પ્રાઇવેટ રૂમ, તેનો પ્રાઇવેટ સ્પેસ. આ પ્રકારની ફોટોગ્રાફીમાં ન્યૂડિટી હોય છે. એ આખો સેન્સ્યૂઅસ પ્રકાર છે. ફોરેનમાં બે કલ્ચર છે. મોસ્ટલી, લગ્નના 15-20 વર્ષ થઈ જાય અને પતિ-પત્નીને એકબીજામાં રસ ઓછો થઈ ગયો હોય તો વાઇફ સરપ્રાઇઝિંગલી શૂટ કરાવીને હસબન્ડને ગિફ્ટ કરતી હોય છે કે હજી પણ તે એટલી સુંદર દેખાય છે. લગ્ન પહેલાં કે પછી પણ આવી ફોટોગ્રાફી કરાવતા હોય છે. આ બહારથી આવેલો ટ્રેન્ડ છે. કેટલાક લોકો પ્રોફેશનલી પણ કરાવતા હોય છે.

ખરીદ-વેચાણ કોણ કરે છે?
ઘણાં મોડલ એવાં છે, જે પૈસા માટે શૂટ કરાવે છે. ઘણી વખત ગેટી ઇમેજીસ અથવા તો એના જેવી અન્ય કંપનીઓને ફોટોગ્રાફસ પણ વેચતા હોય છે. કોઈ વ્યક્તિ પુસ્તક બનાવે તો એના ઉપયોગમાં પણ આ ફોટો લેતા હોય છે, એટલે આ ફોટોગ્રાફસના ઘણા ઉપયોગ હોય છે.

શૂટ વખતે બંનેનું કમ્ફર્ટ લેવલ કઈ રીતે બને?
આ ખૂબ જ અગત્યની વાત છે. પહેલી વખત કોઈ મોડલને શૂટ માટે અપ્રોચ કરું તો તે મને ખરાબ માની લે અથવા ઇન્ટરેસ્ટ પડે. ઇન્ટરેસ્ટ પડે તો ઘણીબધી વાતો થાય. અઢળક મીટિંગ થાય. રોજ થોડું થોડું તેને સમજાવું. તેમને મારામાં વિશ્વાસ બેસે કે અહીં કોઈ એવા પ્રકારનું કામ નહીં થાય, જેને કારણે ફ્યુચરમાં તકલીફ પડે. બંને જણાએ બહુ જ ઓપન થવું પડે. બંને સેમ પેજ પર આવી જઈએ અને મોડલને વિશ્વાસ થાય કે ‘હું ખરાબ નથી કરી રહી,’ ત્યારે આ ફોટોગ્રાફી શક્ય બને છે, એટલે મારે કોઈ એક બૂડવા શૂટ કરવું હોય તો પહેલા 1.5થી 2 મહિના કાઉન્સેલિંગમાં જ જાય છે.

શૂટિંગ વખતે કોણ હાજર હોય? લોકેશન ક્યાં હોય?
મારું શૂટ હોય ત્યારે હું અને મોડલ. અમારા બે સિવાય બીજું કોઈ નથી હોતું. એક વખત થયું હતું કે એક મોડલે ફીમેલ આસિસ્ટન્ટ વિશે પૂછ્યું હતું. તો એ માટે મેં ફીમેલ આસિસ્ટન્ટ રાખી હતી. લોકેશનમાં મોટે ભાગે મારી ઓફિસ કે મોડલનું ઘર હોય છે, કારણ કે કમ્ફર્ટ ત્યારે જ આવે. દરેક નવી જગ્યાએ તમે સેટ ના પણ થઈ શકો અને એ પણ પ્રાઇવેસીની વાત કરતા હો/ ત્યારે એ થોડું અઘરું થઈ જાય. કેટલાક શૂટ ખુલ્લા મેદાનમાં આઉટ ડોર પણ કરેલા છે, પણ એ અલગ પ્રકારની હિંમત માગી લે છે. એ પણ આપણા દેશમાં, કારણ કે લોકો અલગ નજરે જુએ છે, એટલે તેમનાથી બચીને રહેવું પડે છે. એક પુરુષ તરીકે આપણને કોઈ ફરક નથી પડતો, પણ સ્ત્રી તરીકે તેમની સાથે શું શું થઈ શકે અને લોકો જે રીતે બિહેવ કરતા હોય છે. લોકો સોશિયલ મીડિયામાં તેમની સાથે ગાળાગાળી પણ કરતા હોય છે

લોકો મેસેજ કરીને મોડલ અંગે પૂછે
સોશિયલ મીડિયા પણ ઘણા લોકો આ વિશે ભારતીય સંસ્કૃતિ શીખવવા આવે છે. પછી દલીલો કરી ત્યારે ખબર પડે કે આને તો રાષ્ટ્રગીત પણ સરખું આવડતું નથી. એવા લોકો સંસ્કૃતિની વાતો કરતા હોય છે. મને ફીમેલના ઘણા સારા રિસ્પોન્સ મળે છે. ઘણા લોકો આવા ફોટોને અલગ રીતે જ જોતા હોય છે. ઘણા લોકો મેસેજ કરીને મોડલ અંગે પૂછતા હોય છે. અલગ અલગ બહાનાં બતાવીને મોડલ અંગે જાણકારી મેળવવા માગતા હોય છે.

પહેલા શૂટમાં યુવતીએ તૈયાર થવામાં અઢી કલાક લીધા હતા
પહેલી જ વાર જે છોકરી સાથે શૂટ કરવાનું હતું તેની સાથે 6 મહિનાથી વાત ચાલતી હતી. પછી ફાઇનલી તે તૈયાર થઈ હતી. શૂટ માટે આવી પણ ખરી. બીજા રૂમમાં તૈયાર થવા તેણે અઢી કલાક લીધા. મેં સામેથી એકવાર પણ તે રેડી છે કે નહીં એ સવાલ કર્યો નહોતો, કારણ કે એમ પૂછવાથી તેની પર પ્રેશર આવી જાય. છેલ્લી ઘડીએ તેના મનમાં હજારો પ્રશ્નો થતા હશે. પછી તેણે મને સામેથી બોલાવ્યો કે ગૌરાંગભાઈ આવો, હવે આપણે શૂટ કરીએ. પહેલી વાર શૂટ કરતી વખતે લાઇટ ફ્રેમિંગથી લઈને બીજા ઘણા પ્રશ્નો આવ્યા. હું કેમ આ શૂટ કરું છું એ હજુયે ખબર નથી પણ મારા માટે એ ચેલેન્જિંગ હોય છે. આપણા નવ રસમાંથી એક શૃંગાર રસ કાઢીને લાવવાનો છે.

પત્નીને ખબર પડી ત્યારે..
પહેલી વખત ફોટોશૂટ કર્યું અને પત્નીને ખબર પડી તો તેણે પૂછ્યું કે કેમ આવું શૂટ કર્યું? ત્યારે મારી પાસે તેનો જવાબ નહોતો પણ મેં પૂછ્યું કે કેમ ન કરવું જોઈએ? તો તેનો જવાબ તેની પાસે પણ નહોતો. અમારી વચ્ચે વાત થઈ એ પછી હવે તે પણ કામને સમજે છે. મારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મારી પત્ની અને મારો પુત્ર પણ છે. એ સિવાયનો આખો પરિવાર સોશિયલ મીડિયામાં છે, બધાને ખબર છે કે હું આવી ફોટોગ્રાફી કરું છું. આ એવા પ્રકારની વસ્તુ છે જ નહીં, જે તેમને ખરાબ લાગી હોય. મારો પરિવાર પણ કમેન્ટ કરતો હોય કે આ ફોટો બહુ જ સરસ છે. કેટલાંક સજેશન પણ આપતા હોય છે.

છોકરીઓ રડી પડે છે ને કહે છે કે ‘હું આટલી સુંદર લાગુ છું એ મને ખબર જ નથી’
શૂટ બાદ ફોટો એડિટ કર્યા પછી હું તેમને જોવા બોલાવું. ત્યારે હું કોમ્પ્યુટર પર બેઠો હોઉં અને યુવતી પાછળ બેસીને તેના ફોટા જુએ. ઘણી વખત તેમના ફોટા જોઈને બેઠાં બેઠાં છોકરીઓ રડી અને બોલે, ‘હું આટલી સુંદર લાગું છું એ મને ખબર જ નહોતી. મેં ઇમેજિન નહોતું કર્યું કે હું આટલી સુંદર હોઈ શકું.’ ફોટા લીધા બાદ જ્યારે યુવતી જતી હોય છો ત્યારે ખબર પડે કે તેનામાં આત્મવિશ્વાસ વધી ગયો છે અને તેની ચાલમાં પણ ફરક દેખાય છે. તેને એવું પોઝિટિવ ફીલ થાય કે મારી પાસે પાવર છે. મારી બૉડી સરસ છે.

બૉડી શૅમિંગ ઘટી રહ્યું છે
બૂડવા ફોટોગ્રાફીને કારણે બૉડી શૅમિંગ ઘટવા લાગ્યું છે. એ પણ મારા કાઉન્સેલિંગનો ભાગ છે. સૌથી પહેલા એવો વિશ્વાસ અપાવવો પડે કે તારી પાસે જે શરીર છે એ બહુ સુંદર છે. તું જ્યાં સુધી વખાણીશ નહીં ત્યાં સુધી તું તેને બતાવી શકીશ નહીં. દરેકના શરીરમાં પ્રશ્નો હોય છે. આ પ્રશ્નો પુરુષોને પણ છે જ, પરંતુ ફીમેલના પ્રશ્નો આપણને વધુ દેખાય છે. તેમને મારે પોઝિટિવ બનાવવા પડે કે તમારી પાસે જે છે, એ બહુ જ સુંદર અને યુનિક છે. તમે એક જ ડાઈમાંથી બનેલા માણસો નથી. બધાનાં એકસરખાં સ્ટ્રક્ચર કેવી રીતે હોઈ શકે?

કાઉન્સેલિંગમાં મોટે ભાગે બૉડી શૅમિંગ ઉપરાંત ઓળખ જાહેર થઈ ગઈ તો લોકો મને કેવી રીતે જોશે? આસપાસના લોકો કઈ નજરથી જોશે? એ બધા પ્રશ્નો રહેતા હોય છે. કોઈક રીતે એની ઓળખ છતી થાય તો એના સોશિયલ મીડિયા પર લોકો હલ્લો બોલાવી દે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે.

શૂટ દરમિયાન યુવતી પતિ સાથે આવી હતી
એક વખત એક યુવતી મને બૂડવા ફોટોગ્રાફી માટે મેસેજ કર્યો હતો. અમે મળ્યા. અમારી વાત થઈ પછી તેણે કહ્યું, મારા હસબન્ડને પણ લઈને આવું તો ચાલશે? મેં કહ્યું કે તમને કમ્ફર્ટ હોય તો મને વાંધો નથી. શૂટ શરૂ થયું અને થોડીવાર બાદ મેં તેને ઇનરવેર ઉતારવાનું કહ્યું. તેણે ઉતારીને એ પોતાના હસબન્ડના હાથમાં આપ્યા. જોકે એ પોતે આ માટે માનસિક રીતે તૈયાર થઈને જ આવ્યો હતો તેમ છતાં એ થોડીવાર માટે ખળભળી ગયો. સમય ગયો એમ એ વધુ કમ્ફર્ટ થઈ ગયો અને પછી એ મને એવું કહેતો કે ગૌરાંગભાઈ, આપણે આવો શૉટ લઈએ અને તેની પત્નીને પણ એ કહેતો કે આવી નહીં, અલગ પોઝિશન આપ.

સેલિબ્રિટીએ પણ બૂડવા ફોટોગ્રાફી કરાવી છે
મેં ઘણી ફેમસ સેલિબ્રિટીના પણ ફોટોશૂટ કર્યા છે. એક મનોરંજન ક્ષેત્રની યુવતી હતી. અમે કામ માટે જ મળતાં હતાં. તેને મારા કામની જાણ હતી. મેં તેને ફોટોશૂટ કરવા ફોન કર્યો. પછી અમે મળ્યાં ત્યારે મેં કહ્યું, મારે કયા પ્રકારના ફોટો લેવા હતા. થોડીવાર પછી તેણે હા પાડી દીધી. શૂટમાં કયાં કપડાં લઈને આવવા એ વિશે અમારી ચર્ચા થઈ અને મેં તેને સજેશન આપ્યા. તેણે વીડિયો કોલથી લીંગરી બતાવી અને નવી ખરીદવાની તૈયારી પણ બતાવી. જોકે એના કલેક્શનમાંથી જ કપડાં લઈ અમે શૂટ કર્યું. તેના ફોટા મારા પ્રોફાઇલમાં છે જ, પરંતુ ફેસ હાઇડ કરેલા છે.

પહેલાં ના પાડી ને પછી તૈયાર થઈ ગઈ
એક યુવતીનો મેં સામેથી અપ્રોચ કર્યો હતો, પરંતુ તેણે મને ના પાડી. પછી મારી પ્રોફાઇલ જોઈને તેણે વિચાર્યું કે મારી બૉડીમાં એવું શું છે કે મને ફોટોશૂટની ઑફર આવી? આપણે સામાન્ય રીતે આપણા શરીરને અરીસામાં જોતા જ હોઈએ છીએ, પરંતુ તેણે ફરી પોતાની જાતને અરીસામાં જોઈ એ વખતે એનો જોવાનો એંગલ બદલાયો અને તેણે થયું, ‘હા, હું તો ખરેખર સુંદર લાગું છું.’ તેણે મને સામેથી મળવા મેસેજ કર્યો. અમે મળ્યાં. બીજી વખત મળ્યાં. ત્યારે તેણે ઘણીબધી શરતો કહી. મેં હા પાડી. જ્યારે ફોટોશૂટ ચાલતું હતું ત્યારે તે ઓપન થઈ અને પછી શરમાયા વગર આખું ફોટોશૂટ કર્યું હતું.

ફોટો મૂકું એટલે લાઇક વધે, પણ ફોલોઅર ઓછા થાય
ઘણી વખત એવું થાય કે કોઈ બૂડવા ફોટો પોસ્ટ કરું એ દિવસે 100થી 150 ફોલોઅર ઓછા થઈ જાય. એટલે ટેન્શન થઈ જાય. પછી એવું પણ બને કે ફોટો પર 400 લાઇક હોય, પરંતુ એ ફોટો 500 લોકોએ સેવ કર્યો હોય એવું નોટિફિકેશન બતાવે. કદાચ એવું બને કે લોકોને રસ હોય, પણ આપણી સમાજ વ્યવસ્થાને કારણે કદાચ શરમમાં મુકાતા હશે, એવું હું માની લઉં છું. એટલે કદાચ તેઓ ફોલો ના કરે, પણ રોજ સવારે આવીને ચેક તો કરી જતા હોય છે કે આજે મેં શું પોસ્ટ કર્યું છે?

આઇડિયા ક્યાંથી આવે છે, કેટલો સમય લાગે?
બૂડવા ફોટો માટે 18 વરસથી લઈને 50 વર્ષ સુધીની મહિલાઓ આવતી હોય છે. બધાનાં અલગ-અલગ કારણો હોય છે. એ ચોખ્ખું એવું નથી કહેતાં, પરંતુ વાત પરથી ખ્યાલ આવે છે કે મોટે ભાગે એક કોન્ફિડન્સ લાવવા માટે આવે છે. અત્યારસુધી 30 જેટલા ફોટોશૂટ કર્યા છે. દરેક ફોટોશૂટમાં 3-4 કલાક થતા હોય છે, જેમાં 500થી 700 જેટલા ફોટા પાડવામાં આવે છે. મારા મગજમાં ઘણી જૂની ઇમેજ ફરે છે. બીજું ક્યાંક જાઉં, કોઈક મૂર્તિ જોઉં તો એના પરથી આઇડિયા આવે કે મારે આ પ્રકારનું કંઈક જોઈએ છે. કોઈના પ્રોફાઇલ જોતાં એ પોશ્ચર મુજબ લાગે તો એ યુવતીનું હું મેસેજ કરું છું, જેમાં મારા વિશે અને મારે શું કરવું છે, એ વિશે જણાવી દઉં છું. જો ના ફાવે તો એ લોકો બ્લોક પણ કરી દે. યુવતી કોઈપણ હોય. મોડલ હોવી જરૂરી નથી. મારા મગજમાં ચાલતા ચિત્ર મુજબ બૉડી મળે તો સામેથી અપ્રોચ કરું છું.

કમાણી અંગે તેઓ કહે છે, હું તો પોતે પણ આમાંથી કમાતો નથી એટલે યુવતીને પૈસા પણ નથી આપતો, એટલે તેમને પ્રશ્ન હોય કે મારે પેમેન્ટ પણ નહીં લેવાનું અને ઉઘાડા પણ થવાનું? એ પછી મારી આઇડિયોલોજી વિશે સમજાવવું પડે ત્યારે તેઓ તૈયાર થાય છે. મારું કામ બ્યૂટિફિકેશનનું છે. હું સુંદરતા રજૂ કરું છું. અશ્લીલતા સબ્જેક્ટિવ છે. આ ફોટોગ્રાફીમાં ચહેરો છુપાવવાનો હોય એટલે એક્સપ્રેશન હું બતાવી ન શકું. લાઇટ, ફ્રેમિંગ, વગેરે અલગ રીતે કરવું પડે એટલે રેગ્યુલર કામ કરતાં જુદી ફ્રેમિંગ કરવાનું હોય છે. નવી ચેલેન્જ આવે એટલે બીજા રસ્તા એક્સપ્લોર કરતો હોઉં છું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

– સૌજન્યઃ દિવ્ય ભાસ્કર

error: Content is protected !!