બ્રેકઅપનો બદલો: ગર્લફ્રેન્ડે તેના એક્સ બોયફ્રેન્ડને ગિફ્ટ કરેલું 23 લાખ રૂપિયાનું બાઈક સળગાવી દીધું

થાઈલેન્ડઃ દુનિયામાં ઘણા કપલ એકબીજાને સાથે રહેવાના વાયદા તો કરે છે, પણ તેઓ સાથે રહેતા નથી. છૂટા પડેલા કે ગુસ્સે ભરાયેલા લોકો ઘણી વાર તેમના પૂર્વ પ્રેમી પાસે બદલો લે છે જે તેમને આજીવન યાદ રહે. થાઈલેન્ડમાં એક ગર્લફ્રેન્ડના પરાક્રમે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ મહિલાએ તેના એક્સ બોયફ્રેન્ડનું બાઈક સળગાવી દીધું. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી.

મહિલાએ પોતે જ પ્રેમથી ગિફ્ટ કર્યું હતું
36 વર્ષીય કેનોક વેને બેંગકોકમાં સ્કૂલ પાર્કમાં પડેલા તેના એક્સ બોયફ્રેન્ડનાં બાઈક પર પેટ્રોલ રેડી દીધું હતું. મહિલાના એક્સ બોયફ્રેન્ડે બ્રેકઅપ કરતા તેણે આ રીતે બદલો લેવાનું વિચાર્યું હતું. આ કેસમાં નવાઈની વાત તો એ છે કે આ મહિલા જ્યારે તેના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તેણે જ 23 લાખનું બાઈક ગિફ્ટ કર્યું હતું. પોતે ગિફ્ટ કરેલું બાઈક જાતે જ રાખમાં ફેરવી દીધું હતું.

સ્કૂલ બંધ હોવાને લીધે અન્ય કોઈ નુકસાન ના થયું
બાઈક તો સળગીને ખાખ થઈ ગયું હતું પણ અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર ફાઈટરની ટીમ આવે તે પહેલાં તેની આજુબાજુ પાર્ક કરેલા વાહનોને થોડું નુકસાન થયું હતું. પોલીસ ઓફિસરે આ ઘટના વિશે જણાવ્યું, સ્કૂલના ત્રીજા માળે પાર્કિંગમાં આગ લાગી હોવાની ખબર પડતા અમે ઘટના સ્થળે ગયા હતા. આ બિલ્ડિંગમાં જ સ્કૂલ આવેલી છે પણ કોઈ નુકસાન થયું નહોતું. મહામારીને લીધે વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા નથી તેઓ ઓનલાઈન ક્લાસમાં જ ભણી રહ્યા છે.

કેમેરામાં મહિલા પકડાઈ ગઈ
ફાયર ફાઈટરની ટીમે આવીને 10 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસે સિક્યોરીટી કેમેરા જોયા ત્યારે તેમણે જોયું કે આગ લગાવનારી મહિલા સ્કૂલ ઓફિસરની એક્સ ગર્લફ્રેન્ડ છે. બુધવારે તેની ધરપકડ થઈ હતી.

પોલીસે કહ્યું, મહિલાને બદલો લેવો હતો. આથી તેણે ગુસ્સામાં પોતાના પૂર્વ પ્રેમી અને સ્કૂલ ઓફિસરને 23 લાખ રૂપિયા ખર્ચીને ગિફ્ટમાં આપેલું બાઈક સળગાવી દીધું.

error: Content is protected !!