લાડકીના કન્‍યાદાનના એક દિવસ પહેલા પિતાનું મોત, મહેંદીવાળા ધ્રુજતા હાથે વ્હાલા પિતાના કર્યા અંતિમ સંસ્કાર

એક હદ્રયદ્રાવક ઘટના સામે આવી છે. આ કાળજું કંપાવી દેતો બનાવ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બન્યો હતો. જ્યાં એક પરિવારની લાડકવાયી દીકરીના લગ્ન હતાં જેને લઈને છેલ્લા ઘણાં દિવસોથી પરિવાર ખુશી-ખુશી લગ્નની તૈયારીઓ કરી રહ્યો હતો. જોકે લગ્નના આગલા દિવસે એટલે કે રવિવારે અચાનક પરિવારના સભ્યો પર આભ તુટી પડ્યું હતું. રવિવારે બપોરે અચાનક દીકરીના પિતાની તબિયત લથડતાં સારવાર માટે તાત્કાલિક રાજકોટ લઈ જવામાં આવ્યા હતાં.

જોકે કમનસીબે રસ્તામાં જ હાર્ટ અટેકથી તેમનું મોત નિપજતાં લોહાણા પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. પુત્રીના પિતાના અવસાન બાદ બન્ને પરિવારોએ સામૂહિક રીતે લગ્ન પ્રસંગ હાલ પુરતા મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો હતો. વેરાવળમાં લાડકી દીકરીના કન્યાદાનના એક દિવસ પહેલાં જ પિતાનું હાર્ટ અટેકથી મૃત્યું થયું હતું. દીકરીએ સ્વર્ગસ્થ પિતાને અગ્નિદાહ આપતાં હાજર સૌ કોઈની આંખમાંથી અશ્રુ વહેતાં થયાં હતા. સોમનાથ ભૂમિના રઘુવંશી પરિવારમાં ખુશીના માહોલ વચ્ચે મોભીની અણધારી વિદાયથી ગમગીની પ્રસરી હતી

વેરાવળના બિહારીનગરમાં રહેતા અને જંતુનાશક દવાના રઘુવંશી વેપારી અશોકભાઈ પ્રાણજીવનદાસ તન્‍ના (ઉ.વ.62) નિસંતાન હોવાથી તેમના નાના ભાઈની દીકરી આયુશીને બાળપણથી જ પોતાની સાથે વેરાવળ રાખી પ્રેમ સ્નેહથી ઉછેરીને ભણાવી ગણાવી મોટી કરી હતી. દીકરી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. લાડકવાયી પુત્રી આયુશના લગ્ન લેવાયા હોવાથી રધુવંશી પરિવાર લાડકવાયી દીકરીના લગ્ન સમારોહની અલગ-અલગ વિધિઓની તાબડતોડ તૈયારી કરી રહ્યો હતો.

લાડકવાયી દીકરીનું કન્યાદાન કરવા પિતા કેટલાય દિવસોથી રાહ જોઈને બેઠા હતાં, પિતાના હૈયે હરખ સાથે ખુશી છલકાતી જોવા મળતી હતી. પરંતુ દીકરીના લગ્નના આગલા દિવસે એટલે કે રવિવારે સવારે વેપારી અશોકભાઈ તન્‍નાની એકાએક તબિયત લથડતાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની વેરાવળની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તબિયત બગડતાં ડોક્ટરે રિપોર્ટ અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવા કહ્યું હતું. ડોક્ટરે વાત કરતા જ પરિવારના લોકોએ તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લઈ જઈ રહ્યા હતા એવામાં અચાનક જ ગોંડલ આસપાસ અશોકભાઈનું મૃત્યું થયું હતું. આ સમાચારથી ખુશીમાં થનગનતા રઘુવંશી પરિવાર તથા લોહાણા સમાજમાં ભારે શોકની લાગ્ણી પ્રસરી ગઈ હતી.

અશોકભાઈના મૃતદેહને રાત્રિના દસેક વાગ્યે તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હૃદયફાટ આક્રંદનાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ લાડકી દીકરી આયુશીએ અશ્રુઓની વહેતી ધરા સાથે તેના સ્વર્ગસ્થ પિતાને કાંધ આપી સ્મશાનયાત્રામાં જોડાઈ સ્મશાનઘાટ ખાતે જઈ અગ્નિદાહ આપ્યો હતો. આવા આઘાતજનક બનાવને પગલે લગ્નની ખુશીઓ માતમમાં છવાઈ ગઈ હતી. દીકરીની ડોલી ઉઠવાને બદલે પિતાની અર્થી ઉઠી હતી.

error: Content is protected !!