સેલ્ફીએ જીવ લીધો, મિનિટોમાં ચાર પરિવારના ચાર જુવાનજોધ દીકરાઓ ડૂબી ગયા, ધ્રુજાવી દેતો બનાવ

ગાંધીનગર: ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ બહીયલનાં તરવૈયાની ટીમ દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવાન સવારથી ગુમ હોવાથી તેના પિતા પણ કેનાલ પર હાલમાં દોડી આવ્યાં છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અપમૃત્યુના બનાવો દિવસેને દિવસે વધી જવા પામ્યા છે.

આજે પણ રાયપુર નર્મદા કેનાલમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કલાકોથી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બહીયલનાં તરવૈયાની ટીમ પણ ચારેય યુવાનોને શોધવા માટે કેનાલમાં તપાસ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારના સમયે રાયપુર નર્મદા કેનાલ પાસે બાઇક અને એક્ટિવા પર નિકુંજ અનિલભાઈ સગર (ઉ. 24), સાહિલ અરવિંદભાઈ પટેલ (ઉ. 21),જયદીપ સબવાણિયા(ઉ 20) અને સ્મિત રાકેશભાઈ પટેલ (ઉ 19) એમ ચાર યુવાનો આવ્યા હતા. જેમાથી એક યુવાનનો બર્થડે હતો. કેનાલ પાસે યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. કેનાલ પરથી પોલીસને બે જોડ ચપ્પલ પણ મળી આવ્યા છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં અરવિંદભાઈ પટેલ પોતાના પુત્ર સાહિલની શોધખોળ કરવા માટે રાયપુર કેનાલ દોડી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સવારે 21 વર્ષીય સાહિલ નોકરી પર જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો.

પરંતુ તે નોકરી પર ગયો નથી.મને ચાર યુવાનો ડૂબ્યાની જાણ થતાં અહીં આવ્યો છું. સાહિલના ક્યાં મિત્રો છે તે પણ મને ખબર નથી. જ્યારે સાહિલનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે. આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર યુવકો કોણ કોણ હતા તેની હજી ઓળખ થઈ નથી. હાલમાં શોધખોળ ચાલુ જ છે. કેનાલનું પાણી નીચેથી વહેણ વાળું હોવાથી યુવાનો આગળ તણાઈ ગયા હોવાની શંકા છે.

આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ અમદાવાદના કૃષ્ણનગર વિશ્વાસ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરવ સુરેશ ભારતી બાવાનો જન્મ દિવસ હોવાથી આજ સોસાયટીમાં રહેતા સ્મિત પટેલે બર્થડે ઉજવવા માટે કેનાલનું સ્થળ નક્કી કર્યું હતું. અગાઉ ડભોડા મંદિરે દર્શને આવેલા હોવાથી તે સમયે કેનાલ જોઈ હતી. જેથી નક્કી થયા મુજબ પાંચ મિત્રો કેનાલ પર ભેગા થયા હતા. અને કેક પણ લઈ આવ્યા હતા.

બાદમા કેનાલની લોખંડની ગ્રીલ પાસે કેક કાપી રહ્યા હતા. અને ફોટોગ્રાફી કરતા હતા. એ વખતે એક મિત્ર નો પગ લપસી જતાં તે કેનાલમાં પડ્યો હતો. જેને બચાવવા માટે એક પછી એક અન્ય ત્રણ મિત્રો પણ કેનાલમાં ઉતર્યા હતા. જ્યારે ગૌરવ કેનાલની બહાર રહ્યો હતો. જેણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

error: Content is protected !!