એક જ પરિવારના 3-3 યુવાનોની અંતિમયાત્રા એકસાથે નીકળી, આખું ગામ હિબકે ચડ્યું
પંચમહાલના વેજલપુર પાસે બુધવારે હાઇવે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં હાલોલના વાઘવાણી ગામના એક જ પરિવારના સગા બે ભાઇઓ અને કાકા સહિત ત્રણ યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આજે ત્રણેય યુવાનોની એકસાથે અર્થી ઉઠતાં ગામ હિબકે ચઢ્યું હતું.
અકસ્માતમાં મોતને ભેટેલા બે સગા ભાઈઓ રોહિત અને જતીન ITIમાં અભ્યાસ કરતા હતા પરિવારમાં એક 12 વર્ષની બહેન અમૃતાએ બે સગા ભાઈઓ ગુમાવ્યા છે. મોતનો કોળિયો બનેલો ત્રીજો યુવાન મિતેશ ત્રણ બેહનો પર એકનો એક ભાઇ હતો.
હાલોલના વાઘવાણી ગામના મિતેશ ગણપતભાઇ ગોહિલ (ઉ.22), રોહિત દિલીપભાઇ ગોહિલ (ઉ.18) અને જતીન દિલીપભાઈ ગોહિલ (ઉ.16) બાઇક પર કાલોલના સણસોલી ગામે ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવી બાઈક પર પરત ફરતા હતા. તે દરમિયાન વેજલપુર નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત થતાં ઘટના સ્થળે એરેરાટી વ્યાપી ગઇ હતી.
મિતેશના એક મહિના પહેલાં જ ખરસાલિયા ગામે લગ્ન થયા હતા. રોહિત અને જતીન સબંધમાં મિતેશના ભત્રીજા થાય છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ યુવાનોના મોતની ગોઝારી ઘટનાની જાણ થતાં આખુ ગામ શોકમાં ગરકાવ થઇ ગયું હતું અને બુધવાર સાંજથી ગામના ઘરોમાં ચૂલા સળગ્યા નહોતા. એક જ પરિવારના ત્રણ યુવાનની એકસાથે અર્થી ઉઠતા આખુ ગામ હિબકે ચડ્યું હતું.
ગોધરા-કાલોલ રોડ પર ટેન્કર બાઇક વચ્ચે થતાં ગોઝારા અકસ્માતમાં હાલોલ તાલુકાના વાઘવાણી ગામના એક જ પરિવારના ત્રણ યુવાનોના મોતના સમાચાર હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને થતાં તેઓ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પીએમ સહિતની કામગીરીમાં સહયોગ કરીને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અકસ્માત અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.