અકસ્માતમાં મોતને ભેટેલ ચારેય શહીદ જવાનોના પાર્થિવ દેહને ભાવનગર લાવાયા, સર્જાયા ભાવુક દ્રશ્યો

રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરામાં ભાબરું નજીક કાર અકસ્માત સર્જાતા ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા હતા. જ્યારે સાથે રહેલા એક આરોપીનું પણ મોત નિપજ્યું હતું. ચારેય પોલીસ જવાનોનાં નશ્વરદેહને આજે રાત્રે હવાઈ માર્ગે ભાવનગર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એરપોર્ટથી એસપી કચેરી પર નશ્વરદેહને લઈ જઈ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. હરિયાણાથી આરોપીને પકડીને ચારેય પોલીસકર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસકર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ચાર પોલીસ જવાન શહીદ થયા છે. જ્યારે સાથે રહેલા આરોપીનું પણ મોત નિપજ્યું હતું.

ભાવનગર પોલીસ જવાનોની ટીમને જયપુર નજીક નડેલા અકસ્માતમાં ચાર પોલીસ જવાન સહિત પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયાની જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મૃત્યુ પામનાર જવાનોના પરિવારજનોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

રાજસ્થાનમાં બનેલી આ ઘટનાની જાણ થતાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્‌વીટર ઉપર મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતને આ અંગે જાણ કરી તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે પણ ટ્‌વીટર પર આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

2012 જેવી જ ઘટનાનું 2022માં પુનરાવર્તન
ભાવનગર શહેરના ભરત નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ જવાનોના જયપુર હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ થયા છે. ભાવનગર પોલીસ બેડા સાથે એક દાયકા બાદ ફરી અકસ્માતની દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે.

અગાઉ 2012માં એક લૂંટના કેસમાં ભાવનગર એલસીબી વિભાગના 4 જવાનો જેમાં અનિરુદ્ધસિહ નવલસિંહ ચુડાસમા, જેન્તીભાઈ ઉર્ફે જોન્ટી, હિતેન્દ્રસિંહ વાઘેલા અને સમીરભાઈ કોઠારીયા આરોપી ભુપતભાઈ નારણભાઇ આહિરના પુત્રને લઈ તપાસ માટે ખાનગી વાહનમાં ગયેલ તેને વટામણ અને વડોદરા વચ્ચે અકસ્માત થયેલ

જેમાં ચારેય પોલીસ જવાનો અને આરોપીના પુત્ર સહિત પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. તેની યાદ ફરી પોલીસ બેડામાં તાજી થવા પામી છે. આમ એક દાયકા બાદ ભાવનગર પોલીસ બેડા સાથે ગોઝારી દુર્ધટનાનુ પુનરાવર્તન થતા પોલીસ બેડામાં, તેમજ મૃત્યુ પામનાર જવાનોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

error: Content is protected !!