રાજકોટ ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના પરિવારના કેમેય કરીને સુકાતા નથી આંસુ, પિતાની યાદમાં દીકરો ધ્રુસકે ધ્રુસકે રડ્યો, કહ્યું કે..

રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી, ઉદ્યોગપતિ અને કડવા પાટીદારની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુના આપઘાતને આજે પાંચમો દિવસ થઇ ચૂક્યો છે. છતાં આપઘાત માટે મજબૂર કરનાર એક પણ આરોપીની પોલીસે ધરપકડ કરી નથી. મહેન્દ્ર ફળદુના પુત્ર પ્રિયાંકને એટલો આઘાત લાગ્યો છે કે હજી સુધી તેના આંસુ સુકાયા નથી. આજે મીડિયા સમક્ષ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. બાદમાં તેણે જણાવ્યું હતું કે, આજે પાંચમાં દિવસે એકેય આરોપી ઝડપાયો નથી, હું ફોનમાં કોઇ સાથે વાત કરી શકું એટલી મારામાં હિંમત નથી. આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા.

મને સરકાર અને પોલીસ પર ભરોસો છેઃ પ્રિયાંક
આજે પાંચમો દિવસ છે મારા પપ્પાનું મૃત્યુ થયાનો, હજી સુધી એક પણ આરોપીને પોલીસ પકડી શકી નથી. પહેલેથી જ અમને કહ્યું હતું કે, તેમને ખાસ્સો એવો રાજકારણીઓનો સપોર્ટ છે. મારી માગણી એટલી જ છે કે, સરકાર અને પોલીસ બધા ભેગા થઇને આરોપીઓને તાત્કાલિક પકડે, મારો પરિવાર તેમના પર ભરોસો રાખીને રાહ જુએ છે કે, કંઇ રીતના એ સાત લોકોને પકડી અમને ન્યાય મળે.

અત્યારે પોલીસમાંથી એવું જાણવા મળે છે કે, એ સાત લોકો અને તેના પરિવારજનો ફરાર છે, હાલ કોઇ મળતું નથી. બધા એમના ઘરે, ઓફિસે અને નોન લોકેશન હતા ત્યાંથી પણ કંઇ મળતું નથી. મારામાં એટલી હિંમત નથી આવી કે હું ફોન હાથમાં લઇ કોઇ સાથે વાત કરી શકું. એટલે મને ખબર નથી કે મારા શુભેચ્છકો કોણ છે. મને સરકાર અને પોલીસ પર ભરોસો છે કે, તે જે કરશે તે સાચુ કરશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાજકોટ આવ્યા બાદ આજે મહેન્દ્રભાઈના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યો હતો. મહેન્દ્રભાઈ સમાજમાં ખૂબ સારી નામના ધરાવતા હતા. જે બન્યુ તે દુઃખદ બન્યું છે. મહેન્દ્રભાઈ હિંમતવાન હતા અને ખૂબ સેવાભાવી હતા. કમનસીબે આપઘાત કરવો પડ્યો છે. તેમના પરિવારને સાંત્વના પાઠવી છે, પરિવારને ન્યાય મળે એવી પણ હું અપીલ કરું છું. પરિવારની અપેક્ષા છે કે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા પણ મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.

રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા પણ મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, મહેન્દ્રભાઈ કડવા પટેલ સમાજના હોનહાર આગેવાન તો હતા જ. પરંતુ સર્વ સમાજ માટેની તેમના દિલમાં સંવેદના હતી તે અમે પ્રસંગોપાત જોતા હતા. આજે જ્યારે મહેન્દ્રભાઈ નથી ત્યારે તેમના મિત્ર તરીકે તેમના પરિવારને સાંત્વના પાઠવી છે.

શું છે સમગ્ર મામલો
રાજકોટમાં 2 માર્ચના રોજ સૌરાષ્ટ્રની જાણીતી યુવી ક્લબના ચેરમેન અને બિલ્ડર મહેન્દ્ર ફળદુએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની કલ્પતરૂ પ્રોપર્ટીની ઓફિસમાં દવા પી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટરૂપી પ્રેસનોટ મીડિયાના મોકલી હતી. જેમાં અમદાવાદના ઓઝોન ગ્રુપને જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી આ કેસમાં સીટની રચના કરી પોલીસે રાજકોટના બે અને અમદાવાદના પાંચ બિલ્ડર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો.

અમદાવાદના 5 અને રાજકોટના 2 બિલ્ડર સામે ગુનો
મૃતક મહેન્દ્ર ફળદુના પુત્રની ફરિયાદ પરથી પોલીસે રાજકોટના મનસુખ એમ. સુરેજા, અમીત જયમલ ચૌહાણ, અમદાવાદના અતુલ મહેતા, ઓઝોનના ડાયરેક્ટર દીપક મણીલાલ પટેલ,પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ અને પ્રકાશ ચંદુલાલ પટેલ સામે ગુનો નોંધી તમામની શોધખોળ શરૂ કરી છે. પરંતુ આજે બનાવના પાંચમાં દિવસે પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

error: Content is protected !!