પોલીસને હાથ લાગ્યા આ નવા પુરાવાઓ, જલ્દી જ ન્યાય મળશે દીકરીને, હવે આ નરાધમ નહીં બચી શકે
ગ્રિષ્માની હત્યા કરવા માટે ફેનિલના મગજમાં જાત-જાતના વિચારો આવતા હતા. પોલીસે તેનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ ઉપર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય તે બાબતે તપાસ કરી હતી, જોકે તેને આ રાઇફલ ન મળતા તેણે અન્ય વિકલ્પો શોધ્યા હતા. હત્યા કેવી રીતે કરવી તે કરી શકાય તે માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી.
હત્યા કરવા માટે તેણે અલગ-અલગ સ્ટાઇલ પણ શોધી હતી, જેમાં તે ગળુ કાપીને હત્યા કરવાનું શીખ્યો હતો. પોલીસે આ મહત્વના પુરાવા પણ એફએસએલની મદદથી શોધી કાઢ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળે વીડિયો ઉતારનારા લોકોના ફોનમાંથી પણ પોલીસે વીડિયો ક્લિપ લઈ તેનો પુરાવા તરીકે ઉપયોગ કર્યો છે.
હત્યા પહેલા સવારે ક્રાઇમ પેટ્રોલ જોઈને ગયો હતો
શનિવારે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી, જેમાં હત્યા કરવાનું તે શીખ્યો હતો.
ચપ્પુની ડિલિવરી ફ્લિપકાર્ટ પરથી મોડેથી મળવાની હોવાથી ઓર્ડર કેન્સલ કરી મોલમાંથી ખરીદ્યું હતું
ગ્રિષ્માનું ગળુ કાપીને હત્યા કરવાનું નક્કી કર્યા બાદ તેણે ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. જોકે, તે મોડેથી મળવાનો હોવાના કારણે તેણે ઓર્ડર રીજેક્ટ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યારબાદ તેણે ગ્રિષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ મેળવ્યો હતો. પોલીસે હત્યા કરાયેલો ચપ્પુ પણ કબજે લીધો હોવાથી ફેનિલ સામે પોલીસને મજબૂત પુરાવા મળ્યા છે.
IG પાંડિયને જાતે ચાર્જશીટ બનાવડાવી
રવિવારે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી, તપાસ અધિકારી સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી. જેમાં સોમવારે 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરવા માટે તમામ કાગળો ભેગા કરાયા હતા.