હત્યારો ફેનિલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર, ગ્રીષ્માને રહેંસી નાંખવા ફેનિલ 2 છરા લઈને આવ્યો હતો, જાણો બીજુ શું કહ્યું કોર્ટે
સુરતમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના યુવક દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગત રોજ ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો. આજે કામરેજ પોલીસ દ્વારા રિમાન્ડ માટે ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર
કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે. સુરત કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ ASI અને તેનાથી ઉપરના દરજજાના કોઈ પણ પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે. આ જાહેરનામુ આવતીકાલ 17 ફેબ્રુઆરી 2022થી લાગુ થશે અને 17 એપ્રિલ 2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
સ્કૂલ, કોલેજ આસપાસ પુરૂષોએ બેસવા-ઉભા રહેવા પર પ્રતિબંધ
કેટલાક અનિષ્ટ તત્વો સ્કૂલ-કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતાના કામે એકલી જતી મહિલાઓ-યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, અશ્લિલ શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામુ પાડી 17મી ફેબ્રુઆરીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો-કોલેજો, ટ્યુશન/ક્લાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા, ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે.
ઓળખપત્ર હોય તેવાને મુક્તિ
જાહેરનામા અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા સ્કૂલ,કોલેજ,ટ્યુશન ક્લાસીસ, કોચીંગ ઈન્સ્ટિટ્યૂટ તથા મહિલા હોસ્ટેલની આસપાસના 50 મીટર સુધી જાહેરમાર્ગ ઉપર કોઈપણ પુરૂષ પુરૂષોએ વાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મૂકવા આવતા ઓળખપત્ર હોય તેવા જ ઓટો તથા વાન માલિક-ડ્રાઈવરો, વાલીઓ અને વાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ કે વાલીઓને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામુ 17 ફબ્રુઆરીથી લાગુ થશે અને 17 એપ્રિલ 2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
SITની રચના કરવામાં આવી
હોસ્પિટલમાંથી ફેનિલ ડીસ્ચાર્જ થતા જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.
ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ
પોલીસ તપાસમાં ડિજિટલ એવીડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે. આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય તેવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ કરાયા છે.
સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી. જેથી આ ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથે જ ગ્રીષ્માના પરિવાર પ્રત્યે લોકો સહાનૂભૂતિ દાખવી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.
ગ્રીષ્માની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી
છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
ફેનિલે હત્યા કર્યા બાદ માત્ર દવા પીવાનું નાટક કર્યું હતું
હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. ગત રોજ ફેનિલને રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો. જ્યારે ફેનિલે હત્યા કર્યા બાદ માત્ર દવા પીવાનું નાટક અને હાથ પરની નસ નહીં પણ માત્ર ચામડી કાપી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે ફેનિલને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો છે.
સૌજન્ય- દિવ્ય ભાસ્કર