સુરતનો હસતો ખેલતો પરિવાર વિખેરાયો, પિતા-પુત્ર અને કાકાનું દરિયામાં ડૂબવાથી મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું

સુરત: સુરત જિલ્લાના પલસાણાના ડાભા ગામના આહિર પરિવારના બે ભાઈ અને એક પુત્ર અમેરિકાના પનામાના દરિયામાં ડૂબ્યા હતા. પુત્રોને બચાવવા જતા કરૂણાંતિકા સર્જાતા વતનના ગામમાં ગમગીની સર્જાય ગઈ છે. ગત રવિવારના રોજ સ્મિત અને જશ દરિયામાં નહાવા પડતા ડૂબવા લાગ્યા હતા. જેથી બંનેના પિતા બચાવવા માટે ગયા હતા. જેમાં જશનો બચાવ થયો હતો. જ્યારે પહેલાં દિવસે સ્મિત અને તેના પિતા દિપકભાઈને મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કાકા જિતેન્દ્રભાઈને મૃતદેહ બે દિવસ બાદ મળી આવ્યો હતો.

બે પુત્રોને બચાવવા જવાનો પ્રયાસ કરતા બંને પિતા પણ પાણીમાં ડૂબ્યા
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાભા ગામે રહેતા આહિર પરિવારના બે ભાઈ દીપક સુખરામ આહિર, જિતેન્દ્ર ધનસુખભાઈ આહિર પોતાના પરિવાર સાથે 10 વર્ષથી મધ્ય અમેરિકા સ્થિત પનામા ખાતે સ્થાયી થયેલા હતા. ગત રવિવારે વિકેન્ડમાં દીપક અને જિતેન્દ્ર આહિર પોતાના પુત્રો સ્મિત દિપક આહિર અને જશ જિતેન્દ્ર આહિર સહિતના પરિવારજનો પનામાં દરિયા કિનારે ફરવા ગયા હતા. પોતાના આંખની સામે પોતાના પુત્રને દરિયામાં જોતા પિતા સહિત પરિવારજનો તેને બચાવવા જવાનો પ્રયાસ કરતા તેઓ પણ પાણીમાં ડૂબ્યા હતા.

દરિયાના ઊંડા પાણીમાં ખેંચાયને ડૂબી ગયા
સ્મિત અને જશ દરિયાના પાણીમાં અન્ય લોકો સાથે ન્હાવા માટે ઉતર્યા હતા. ત્યારે જિતેન્દ્ર અને દિપક પરિવાર સાથે દરિયા કિનારે હતા .તે સમયે દરિયામાં દૂરથી મોટું મોજું આવતું નજરે પડતા જિતેન્દ્ર અને દિપક બન્ને જણા પુત્રોને દરિયામાંથી બહાર કાઢવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં જશને અન્ય લોકોની મદદથી બચાવી લીધો હતો. જ્યારે જિતેન્દ્ર, દિપક અને સ્મિત દરિયાના ઊંડા પાણીમાં ખેંચાયને ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયા અને વહીવટી તંત્રની મદદથી દિપક અને સ્મિતનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બે દિવસ બાદ જિતેન્દ્રભાઈનો મૃતદેહ બહાર કઢાયો હતો.

પરિવાર દરિયાકિનારે ફરવા ગયો હતો
મૃતકના સંબંધી અશોકભાઈ આહિરે જણાવ્યું કે, ડાભા ગામે આહિર પરિવાર ઉપર એકાએક આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ થઈ છે. દસ વર્ષથી અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા અમારા પરિવારના લોકો દરિયાકિનારે અઠવાડિયાના અંતમાં ફરવા જતા હોય છે. આ વખતે પણ તેઓ રવિવારના દિવસે ત્યાં ફરવા ગયા હતા. અમારા ભાઈ અને અમારા ભાણેજો દરિયામાં નહાવા ગયા હતા ત્યારે મોજુ ખૂબ જ વિશાળ હતું અને છોકરાઓ દરિયાની અંદરના હતા. તે જોઈને તેમને બચાવવાના પ્રયાસ કરવા ગયા હતા. જેમાંથી સ્થાનિક લોકોની મદદથી જ જશ આહિરને તો બહાર કાઢી લેવા આવ્યો પરંતુ સ્મિત અને તેના પિતા અને કાકાને બચાવી શકાયું ન હતું.

વતનમાં પરિવાર પર આભ તૂટી પડ્યું
રવિવારે તેઓ દરિયામાં ડૂબ્યા હતા અને બે દિવસ બાદ તેમની લાશ મળી છે. સમગ્ર પરિવાર અને આખું ગામ ખૂબ જ શોકમાં ડૂબી ગયું છે. ક્યારેય કલ્પના પણ ના કરી હોય એ પ્રકારની ઘટના બનતા અમે સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા છે. જ્યારે ઘટનાના સમાચાર સાંભળ્યા ત્યારે પરિવારની મહિલાઓ અને અમારા પર જાણે આભ તૂટી પડ્યું હતું.

error: Content is protected !!