ગાંધીનગરના દહેગામમાં રહેતા પિતા-પુત્રએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતાં પિતા-પુત્રએ કોઈ અગમ્ય કારણસર ઘરેથી નીકળી જઈ રાયપુર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. આજે સોમવારે સવારે બન્નેના મૃતદેહો મળી આવતા ડભોડા પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે કવાયત હાથ ધરી છે.

ગાંધીનગરનાં દહેગામ તાલુકાના બારીયા ગામે રહેતા 65 વર્ષીય લક્ષ્મણજી અમરાજી ઠાકોરને ત્રણ સંતાનો છે. જેમનો 35 વર્ષીય પુત્ર મૂકેશ અપરણિત છે. જેઓને શાકભાજી નો ધંધો છે. પરંતુ ધંધો બહુ ચાલતો ન હતો. ગઈકાલે લક્ષ્મણજી તેમના પુત્ર સાથે કોઈ કારણોસર ઘરેથી નીકળી ગયા હતા અને રાયપુર નર્મદા કેનાલમાં બન્નેએ સાથે મળી ઝંપલાવી દીધું હતું.

બનાવ અંગે પરિવારને જાણ થતાં પરિવારે ડભોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસનો સ્ટાફ કેનાલ પર દોડી ગયો હતો અને બન્નેની શોધખોળ હાથ ધરી હતી, જોકે, ગઈકાલે પિતા-પુત્રનો પત્તો લાગ્યો ન હતો. જેથી આજે સોમવારે ફરી બન્નેની શોધખોળ શરૂ કરાતા લક્ષ્મણજી અને મૂકેશની લાશ સાયફન પાસેથી મળી આવી હતી.

બાદમાં પોલીસે બન્નેની લાશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી.આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવારે પિતા અને પુત્ર ઘરેથી નીકળી ગયા હતા અને કેનાલમાં પડતું મુક્યું હતું. આજે સોમવારે સવારે બન્નેની લાશ મળી આવી હતી. આર્થિક તંગીનાં કારણે લક્ષ્મણજી અને તેમના પુત્ર મૂકેશજી ઠાકોરે આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યુ છે.

જોકે, ગામમાં વહેતી થયેલી વાતો મુજબ મૂકેશની માનસિક સ્થિતિ સારી ન હતી અને લક્ષ્મણજી પણ માનસિક રીતે હેરાન થઈ રહ્યા હતા. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પિતા પુત્રના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનોની જરૂરી પૂછતાછ કરવાની કવાયત શરૂ કરી હતી.

error: Content is protected !!