સુરેન્દ્રનગરમાં પુત્રવધૂને લેવા માટે હેલિકોપ્ટર ને 200થી વધુ લક્ઝુરિયર્સ કારના કાફલા સાથે ભવ્ય સ્વાગત કરાયું, આવો હતો રજવાડી ઠાઠમાઠ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં લગ્નસરાની સીઝન પૂરબહારમાં ખીલી છે. લોકો લગ્નપ્રસંગોને ભવ્ય બનાવવા રંગારંગ આયોજનો કરતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 500થી વધુ લગ્નો યોજાયાં છે. ત્યારે સુરેન્દ્રનગરના ક્ષત્રિય પરિવારે પુત્રવધૂની વેલ લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. નવો ચિલો ચાતરી સમાજને નવી રાહ ચીંધી છે. ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર વેલ પહોંચતાં જ 200થી વધુ કારના કાફલા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો અવનવી રીતે લગ્નપ્રસંગને યાદગાર બનાવવા આયોજન કરતા હોય છે. હાલ વરરાજાની જાનનું અવનવી રીતે આયોજન કરાતું હોય છે, જેમાં બળદગાડા, ઘોડાની બગી, હેલિકોપ્ટરને અવનવી રીતે શણગારી એમાં જાન પ્રસ્થાન થતી હોય છે, પરંતુ શહેરના ઝાલા પરિવારે અનોખું આયોજન કર્યું હતું, જેમાં લગ્નમાં વધૂની વેલ લગ્નના સ્થળે હેલિકોપ્ટરથી પહોંચાડાઈ હતી.

સુરેન્દ્રનગરના રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાના ભાઇ અને વિશ્વહિન્દુ પરિષદ પ્રમુખ બાર એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ પ્રવીણસિંહ ઝાલાના પુત્ર યશપાલસિંહ ઝાલાના લગ્ન ધ્રાંગધ્રાના રાજેન્દ્રસિંહ જાડેજાની પુત્રી ખુશાલીબા સાથે યોજાયા હતા, જેમાં ઝાલા પરિવારે લગ્નપ્રસંગે વધૂની વેલ હેલિકોપ્ટરથી પહોંચાડવાનું આયોજન કર્યું હતું.

જેમાં ધ્રાંગધ્રાથી પુત્રવધૂને હેલિકોપ્ટરમાં લઇ શહેરના વડનગર પાસે આવેલા હેલિપેડ પર હેલિકોપ્ટર ઊતર્યું હતું, જ્યાં 200થી વધુ કારના કાફલા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં આગળ બાર એસોસિયેશન સુરેન્દ્રનગર ઉપપ્રમુખ દિગ્વિજસિંહ ઝાલા સહિત ઝાલા પરિવાર અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આમ, સુરેન્દ્નગરમાં પ્રથમવાર વધૂની વેલ હેલિકોપ્ટરથી આવતાં વિસ્તારના હજારો લોકો હેલિપેડ પર ઉપસ્થિત રહ્યા હતા. આમ, અત્યારસુધીમાં સુરેન્દ્રનગરમાં લોકોએ વરરાજાને હેલિકોપ્ટરમાં જઇ વધૂને પરણવા આવતાં ઘણી વખત જોયા હશે, પરંતુ સુરેન્દ્રનગર ખાતે રહેતા ઝાલા પરિવારે લક્ષ્મી સ્વરૂપ પુત્રવધૂને અનોખી રીતે આવકારી હતી.

error: Content is protected !!