બ્રેનડેડ ઉનાના યુવાને અંગદાન કરી 4 લોકોને આપ્યું નવજીવન, અંગદાન કરી કોળી પરિવારે માનવતા મહેકાવી

ઉના: ઉના શહેરમાં રહેતા અને કલરકામનો વ્યવસાય કરતા યુવાનનું અચાનક બ્રેનડેડ થઇ જતાં કોળી પરિવારે ત્વરિત નિર્ણય લઇ યુવાનનાં અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું, આથી અમદાવાદ સિવિલ હોસ્પિટલે યુવાનનાં કિડની, લિવર, સ્વાદુપિંડ તથા હૃદય જેવાં અંગોનું દાન કરી ગ્રીન કોરિડોર રચી 4 લોકોને નવજીવન આપ્યું હતું.

ઉના શહેરના વેરાવળ રોડ પર આનંદવાડી નજીક રહેતા મુકેશભાઇ કાનાભાઇ સોલંકી (ઉં. 41)ના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર અને મુકેશભાઇના બે ભાઇઓ છે. મુકેશભાઇની તબિયત અચાનક ખરાબ થતાં સ્થાનિક તબીબે તેમને મગજની બીમારી હોઇ વધુ સારવાર માટે અમદાવાદ જવા કહેતાં મુકેશભાઇના પરિવારજનો તેમને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. 7 દિવસની સારવારના અંતે મુકેશભાઇને બ્રેનડેડ જાહેર કરાયા હતા. તબીબે બ્રેનડેડ વ્યક્તિની પરિસ્થિતિથી તેમના પરિવારને વાકેફ કર્યો.

મુકેશભાઇના મોટાભાઇ બાલાભાઇના મનમાં મુકેશભાઇના અંગો દાન કરવાનો વિચાર આવ્યો. તેમણે અમદાવાદના સિવિલ સર્જનને વાત કરતાં સર્જને પરિવારના બધા સભ્યોની સંમતિ મેળવી બ્રેનડેડ મુકેશભાઇના શરીરમાંથી હૃદય કાઢી ટ્રોમા સેન્ટરનાં ગેટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાંથી પોલીસની ગાડી દ્વારા એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી માત્ર 10 મિનિટમાં ખાનગી હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યું. આ હૃદય મોરબીના 36 વર્ષીય યુવાનના શરીરમાં ધબકતું કરાયું. બે કિડની પૈકીની એક અને સ્વાદુપિંડ 35 વર્ષીય દર્દીને, બીજી એક કિડની અદાવાદના 65 વર્ષના વૃદ્ધને તેમજ લિવર અમદાવાદની 40 વર્ષની યુવતીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.

અમે 15 મિનિટમાં નિર્ણય લીધો: બાલાભાઈ
મારાથી નાના મુકેશભાઇનો જીવ બચી શકે એમ નહોતો, આથી પરિવારની 4 વ્યક્તિએ 15 મિનિટમાં નિર્ણય લઇને તાત્કાલિક આ પ્રક્રિયા શરૂ કરી અને 5 અંગોનું દાન કરી બીજી વ્યક્તિઓને નવજીવન આપ્યું. > બાલાભાઇ કાનાભાઇ સોલંકી, મૃતકના મોટા ભાઈ.

error: Content is protected !!