રાજકોટમાં ધૈર્યરાજસિંહ જેવો વધુ એક કેસ સામે આવ્યો, પરિવારે કરી મદદની પોકાર
રાજકોટઃ રાજકોટમાં આજે કલેક્ટર કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન નામના બાળકની દુર્લભ બીમારીના નિવારણ અર્થે સરકાર પાસે અપીલ કરવા સર્વ સમાજ સંગઠનના આગેવાનો એકઠા થયા હતા. આ અંગે સર્વ સમાજના આગેવાને જણાવ્યું હતું કે, આ દુર્લભ બીમારી છે જેની સહાય સરકારની કોઈ ચોક્કસ યોજના હેઠળ ભોગવવામાં આવે અને હવે પછી કોઈ બાળક આવી દુર્લભ બીમારીથી પીડાય તો તેના માટે સરકાર કોઈ ચોક્કસ આયોજન કરે.
પરિવાર માટે ખર્ચ ઉપાડવો અસંભવ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામનાં રહેવાસી અશોકભાઈ વાઢેળના અઢી મહિનાના સુપુત્ર વિવાન સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની દુર્લભ બીમારીથી પીડાય છે. જેનો ખર્ચ આશરે 16 કરોડ જેવો થાય છે. જે ખર્ચ કોઈ પણ સામાન્ય માણસ ઉપાડી શકે તેમ નથી. આ બાળકના પિતા કચ્છની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જેથી આ પરિસ્થિતિમાં આ ખર્ચ ઉપાડવો અસંભવ છે.
આવા આકરા ખર્ચ સામે કોઈ ચોક્કસ સહાય આપવા અરજી કરી
બાળકને પણ આ પહેલા પણ ઉત્તર ગુજરાતમાં ધૈર્યરાજસિંહ નામના બાળક સાથે બન્યો હતો. આ દુર્લભ બીમારી હતી જેનો ખર્ચ ગુજરાત અને ભારતની સમગ્ર સમાજે સાથે મળીને એકત્ર કર્યો હતો. અમારી સર્વે દેશવાસીઓને અપીલ છે કે ધૈર્યરાજસિંહની જેમ વિવાનની વ્હારે પણ લોકો આવે અને સરકાર પાસે અમારી માંગ છે કે આ બાળકને તો કોઈ ચોક્કસ યોજના હેઠળ સહાય માટે મદદરૂપ બને જ પરંતુ ભવિષ્યમાં કોઈ બાળક આવી દુર્લભ બીમારી થી પીડાય તો તેની સારવાર માટેના આવા આકરા ખર્ચ સામે કોઈ ચોક્કસ સહાય મળી રહે, અમોને આશા છે કે કલેક્ટર અમારી આ માંગને સરકાર સુધી પહોંચાડશે.