વડોદરામાં સુરતવાળી બનતા રહી ગઈ, પૂર્વ પત્ની પર તિક્ષ્ણ હથિયારથી ગળામાં હુમલો કર્યો, બાદમાં બ્લેડ મારીને આપઘાતનું નાટક

સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી. આ ઘટનામાં 10 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યાં બાદ પાંચ માસ પહેલા છૂટાછેડા લેનાર પૂર્વ પત્નીના ઘરે ધસી જઇ પૂર્વ પતિએ તિક્ષ્ણ હથિયારથી ગળામાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા સનસનાટી મચી ગઇ છે. ઇજાગ્રસ્ત યુવતીને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે પૂર્વ પત્ની ઉપર હુમલો કર્યાં બાદ આપઘાતનું નાટક કરનાર યુવાનની બાપોદ પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

પૂર્વ પતિ અવારનવાર ધમકી આપતો હતો
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના ખોડિયારનગરમાં રહેતા ગણપત મંગળસિંહ ખાટ અને ખોડીયાર નગર વિસ્તારમાં રહેતી નીતા (નામ બદલ્યુ છે)એ 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. પરંતુ 10 વર્ષના લગ્નજીવનમાં બંને વચ્ચે અવાર નવાર ખટરાગ થતો હતો. આથી બંને પાંચ માસ પહેલા છુટાછેડા લઇને અલગ-અલગ જિંદગી જીવવાની શરૂઆત કરી હતી. જોકે, છૂટાછેડા લેનાર નીતા શાંતિથી પોતાનું જીવન ગુજારે તે પૂર્વ પતિ ગણપત ખાટને પસંદ ન હતું. આથી તે અવાર-નવાર તેને હેરાન કરતો હતો અને તેને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

પૂર્વ પત્નીના ગળામાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો
દરમિયાન બપોરે પૂર્વ પતિ ગણપત ખાટ પૂર્વ પત્ની નીતાના ઘરે ધસી ગયો હતો અને તિક્ષ્ણ હથિયારથી તેના ગળામાં જીવલેણ ઘા કરી ફરાર થઈ ગયો હતો. પરિવારજનો ઇજાગ્રસ્ત નીતાને ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ અંગેની જાણ બાપોદ પોલીસ મથકને કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને હુમલાખોર ગણપત ખાટની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે પૂર્વ પત્ની નીતા ઉપર હુમલો કરનાર ગણપત ખાટે પણ પોતાના હાથમાં બ્લેડ મારીને આપઘાત કરવાનું નાટક કર્યું હતું. જોકે પોલીસે ગણપત ખાટે કરેલા કૃત્યને નજર અંદાજ ન કરી તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.

સુરત જેવી ઘટના
ખોડિયારનગર વિસ્તારમાં આવેલ જનક નગરમાં બનેલા આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી. પૂર્વ પતિ ગણપત ખાટે તેની પૂર્વ પત્ની ઉપર હુમલો કયા કારણસર કર્યો તે અંગે બાપોદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ઇજાગ્રસ્ત નિતાના ભાઇ વિકાસ કહારે બહેન ઉપર જીવલેણ હુમલો કરનાર ગણપત ખાટ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.

error: Content is protected !!