હત્યાના દિવસે શેરીમાં ધ્રુવે ફેનિલ હાથમાંથી એક ચપ્પુ ઝૂંટવી લીધું હતું, પણ ત્યાં જ ગ્રીષ્મા આવી અને…

ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ ફક્ત સુરત શહેરમાં જ નહીં સમગ્ર રાજ્યમાં ગમગનીનો માહોલ સર્જી દીધો છે. હજી કોઈ માનવા તૈયાર જ નથી કે એક ટપોરીએ ફુલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્માને સરાજાહેર રહેંસી નાંખી. બીજી તરફ પોતાની નજર સામે જ લાડલી બહેનનું ગળું કાપી નાંખતા ભાઈ તદન ભાંગી પડ્યો છે. બહેનને નજર સામે તડપી તડપીને મોતના હવાલે થતાં જોનાર ભાઈ ધ્રુવ ગૂમસૂમ થઈ ગયો છે. વારંવાર રડ્યા રાખે છે. અંતિમવિધિ વખતે મીડિયા સાથે માંડ માંડ વાત કરતાં ધ્રુવે તે દિવસનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

ધ્રુવ વેકરિયાએ વાત કરતા જણાવ્યું હતું કે ફેનીલ શેરીના ગેટ પાસે આવીને ઉભો રહ્યો હતો. તો હું અને મારા મોટાબાપા બંને ત્યાં ગયા. અમે ત્યાં ગયા તો તેણે સીધી બેગમાંથી ચપ્પુ કાઢીને અમારી પર હુમલો કર્યો. મે પાછળથી ફેનીલનું ગળું પકડી લીધું. તો પણ તેણે મોટાબાપુ સુભાષભાઈને ચાકુ મારી દીધું. હું તેના હાથમાંથી ચાકુ અને ગાડીને ચાવી લઈને ત્યાંથી ભાગી ગયો.

ધ્રુવે આગળ વાત કરતા જણાવ્યું કે શેરી પાસે પહોંચ્યો તો ફેનીલ પાછળ આવ્યો. તેણે બીજું ચપ્પુ મને બતાવીને ચાવી માગી. મેં ચાવી ન આપી. પહેલાં મેં તેને પાટુ માર્યું તો તેણે મને માથામાં માર્યું. પછી ચાવી તેણે લઈ લીધી. પછી ફેનીલ મારી બહેનને આવતો જોઈ ગયો. તો તેણે મારી બહેન ગ્રીષ્માને પકડી લીધી. તેણે લગભગ અડધો-પોણો કલાક સુધી બબાલ કરી હતી. તે ફક્ત હું મારી નાખીશ એમ જ બોલતો હતો.

આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં કેટલા વાગ્યે પહોંચી હતી એના જવાબમાં ધ્રુવે કહ્યું કે એની કંઈ ખબર નથી, મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

હવે તમારી બહેન આ દુનિયામાં નથી તો સરકાર પાસે કંઈ માંગણી કરશો તેના જવાબમાં ભાવુક થઈને તેણે કહ્યું કે બને તેટલું ઝડપથી સજા કરાવી અને ન્યાય અપાવો. આટલું બોલતા જ તેની આંખમાં ફરી આંસુઓ આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગળે ચપ્પુ રાખીને ઘાતકી મર્ડર કરનારા ફેનિલને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું, ચહેરા પર જરા પસ્તાવો ન દેખાતો ન હતો. ફેનિલને જોતા ગ્રીષ્માનો ભાઈ ધુંઆફુઆ થઈ ગયો, ગુસ્સે ભરાયેલા ધ્રુવને પરિવારજનોએ દૂર લઈ જવાની ફરજ પડી હતી.

ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.ગ્રીષ્માના અંતિમ સંસ્કાર તેણીના નાનાભાઈ ધ્રુવના હાથે કરવામાં આવ્યાં હતાં. મુખાગ્નિ આપીને નાનોભાઈ ધ્રુવ રીતસરનો ભાંગી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી ઘરે મોકલી દેવાની ફરજ પડી હતી.

error: Content is protected !!