અમદાવાદના DCP પ્રેમસુખ ડેલુ સિવિલ ડ્રેસમાં બહાર નિકળ્યા, લોકોએ ઓળખી લીધા પછી શું થયું? જાણો
અમદાવાદના સરખેજ જુહાપુરા વિસ્તારનો પણ જેમાં સમાવેશ થાય છે તે ઝોન -7 ના DCP પ્રેમસુખ ડેલુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં DCP નો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહયા છે કે હુ તો લોકોને મળવા માટે જ આવ્યો છુ. હું નોર્મંલી લોકો સાથે વાતચિત કરવા માટે અને હાલચાલ પુછવા માટે ઘણી વાર આ રીતે બહાર નિકળતો હોઉ છું.
લોકો માટે સારુ કામ કરી રહયા હોઇએ ત્યારે લોકોની વચ્ચે જવામાં કોઇ વાતનો ડર રાખવો જોઇએ નહી. ફૂટ પેટ્રોલિંગ કરીને વિસ્તારમાં વધુમાં વધુ ધ્યાન રાખીએ છીએ. હુ લોકોને સામે ચાલીને કોઇ તકલીફ હોયતો અમારી પાસે આવો એમ જણાવું છું.
પ્રાપ્ત માહિતી મુજબ DCP સાદા ડ્રેસમાં પોતાના વિસ્તારની હકિકત જાણવા નિકળ્યા હતા પરંતુ લોકોએ ઓળખી લીધા હતા. કેટલાક તો ડીસીપી સામે ચાલીને લોકો પાસે આવે એ વાત જ માનવા તૈયાર ન હતા. ધીમે ધીમે એક પછી લોકો તેમની નજીક આવી ગયા હતા. વીડિયોમાં કેટલાક વાહનચાલકો પણ ડીસીપીને જોઇને હાથ મિલાવતા જોવા મળે છે.
પોલીસે ઓફિસરે પણ લોકોના સુખ દૂખ જાણવા સ્પોટ ઉપર જાતે જવું જરુરી
DCPના ફરજ વિસ્તાર જુહાપુરા-સરખેજ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ખંડણી, ગુંડાગીરી, વીજ ચોરી,ગેરકાયદેસર કબ્જો કરતી વિવિધ ગેંગો અને તેમના આકાઓ પર કાર્યવાહી કરીને જેલ ભેગા કરવામાં તેમની આ કાર્યશૈલી ખૂબજ કામ આવી છે.
તેઓ માને છે કે કયારેક સ્થાનિક લોકો માથાભારે તત્વો વિરુધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કે માહિતી આપતા ડરતા હોય છે આથી લોકો પાસેથી સ્થળ પર જ માહિતી જાણવી જરુરી હોય છે. પોલીસે ઓફિસરે પણ લોકોના સુખ દૂખ જાણવા સ્પોટ ઉપર જાતે જવું જરુરી હોય છે
પ્રેમસુખ ડેલુ 2015માં IPS થયા હતા
રાજસ્થાનના બિકાનેરના નાનકડા રાશીસર ગામના વતની પ્રેમસુખ ડેલુ ૨૦૧૫માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઇપીએસ બન્યા હતા. હૈદરાબાદમાં ટ્રેઇનિંગ પછી સાબરકાંઠામાં પ્રોબેશનલ બેઝ પર એસીપી તરીકે નિમણુંક થઇ. ત્યાર પછી અમરેલીમાં ACP તરીકે રેગ્યુલર પોસ્ટિંગ થયું,
3ઓગસ્ટ 2020થી અમદાવાદ ઝોન-7માં DCP તરીકે ફરજ ફરજ બજાવે છે. 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ યોજાઇ તેમાં તેઓ પરેડ કમાંડર હતા. તેમને પ્રેજીડેન્ટ કલર્સ પણ મેળવ્યું છે. સામાન્ય રીતે આ સન્માન પેરા મીલીટરી ને જ રાષ્ટ્રપતિ આપે છે.
કોણ છે આઈપીએસ પ્રેમસુખ ડેલુ
રાજસ્થાનના બીકાનેર જિલ્લાના એક નાના ગામના વતની છે. જણાવી દઈએ તેના ગામનું નામ ‘રાસીસર’ છે. પરિવારમાં કુલ ચાર ભાઈ-બહેન છે. જેમાંથી તે સૌથી નાનો છે. તેના પિતા ખેડૂત છે. પરિવારનું ગુજરાન ખેતી ઉપર જ ચાલે છે. ખેતી પણ વધારે ન હતી જેને કારણે હંમેશા પૈસાની કમી રહેતી હતી. જેને કારણે પ્રેમસુખ ભણવાની સાથે પિતાને ખેતીમાં પણ મદદ કરતો હતો.
એટલું જ નહી ખેતરમાં ઉંટગાડી ચલાવવાનું કામ પણ કરતો હતો. આઈપીએસ પ્રેમસુખની શરૂઆતનું ભણતર ગામમાં જ થયુ હતુ. આર્થિક સ્થિતી સારી ન હતી તો 10 ધોરણ સુધી સરકારી સ્કૂલમાં ભણ્યો. જે બાદ તેણે બીકાનેરનાં ડુંગર કોલેજમાંથી 12માંની પરીક્ષા પાસ કરી હતી. ગ્રેજ્યુએશન તેણે મહારાજા ગંગાસિંહ યુનિવર્સિટીમાંથી કર્યુ હતુ.
જ્યાં તેણે પોતાની મહેનત અને લગનને કારણે ઈતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બધુ તેની મહેનતનાં કારણે થઈ રહ્યુ હતુ. પરંતુ તેનાં જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી ન હતી. એક સમયે તેની પાસે પુસ્તકો ખરીદવા માટે પૈસા ન હતા. તેમ છતાં જેમ-તેમ કરીને તેના માતા-પિતા તેનાં ભણતરમાં મુશ્કેલી આવવા દેતા ન હતા. કંઈ પણ કરીને તેના અભ્યાસ માટે જરૂરી સામાનની વ્યવસ્થા કરતા હતા.
જેને લઈને પ્રેમસુખ જણાવે છે, “મારા પિતા બહુજ મહેનત કરતા હતા. પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ કરીને મારા અભ્યાસના દરેક જરૂરિયાતનાં સામાનની વ્યવસ્થા કરતા હતા. તેમની મહેનત, ત્યાગ અને મારા પ્રત્યે તેમનો પ્રેમ હંમેશા માટે મારા માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. પિતાની હાલત અને તેમની મહેનતને જોતા મે સરકારી નોકરી મેળવવાનો દ્રઢસંકલ્પ કર્યો.”
પ્રેમસુખ જણાવે છે કે તેમનું પહેલું લક્ષ્ય સરકારી નોકરી મેળવવાનું હતું, તેથી તેણે 2010માં બીકાનેરથી તલાટીની પરીક્ષા આપી. જેમાં તે સફળ રહ્યો હતો અને બિકાનેરના એક ગામમાં તલાટીની પોસ્ટ પર મુકાયો હતો. તે જ વર્ષે, તેમણે ગ્રામ સેવક તરીકે પ્રદેશમાં બીજો ક્રમ મેળવ્યો. આટલું જ નહીં, 2011માં, તેમણે આસિસ્ટન્ટ જેલરની સાથે બી.એડની પરીક્ષા પાસ કરી હતી અને એક શિક્ષકનું કામ પણ કર્યું હતું.
શિક્ષક તરીકે ફરજ બજાવ્યાના થોડા દિવસો પછી તેમની પસંદગી મામલતદારનાં પદ ઉપર થઈ. આ દરમિયાન તેમણે અજમેરમાં મામલતદારનું પદ પણ સંભાળ્યું હતું. મામલતદારનું પદ સંભાળતા તેમણે યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. પ્રેમસુખ કહે છે કે નોકરી કરતી વખતે પરીક્ષાની તૈયારી કરવી ખૂબ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં યુપીએસસી જેવી મુશ્કેલ પરીક્ષાની તૈયારી કરવી વધુ મુશ્કેલ બની જાય છે.
પ્રેમસુખ કહે છે કે જેવો તેનો ફરજ પરનો સમય પુરો થતો, એવો તરત જ તે ભણવા લાગતો હતો. અહીં અને ત્યાં વાતો કરવામાં તેણે સમય બગાડ્યો નહીં. એટલું જ નહીં, સમયના અભાવે તેણે કોઈ કોચિંગ પણ નહોતી કરી. આ બધું હોવા છતાં, તેણે 2015માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને દેશમાં 170મો રેન્ક મેળવ્યો. જ્યારે તે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓમાં ત્રીજા સ્થાને રહ્યા.