ગુજરાતના સ્ટાર ક્રિકેટરના પરિવારમાં 15 દિવસમાં બે-બે લોકના નિધન, ક્રિકેટર પર તૂટી પડ્યું આભ

વડોદરા રણજી ટીમના વાઇસ કેપ્ટન વિષ્ણુ સોલંકીની નવજાત પુત્રીના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ પિતાને પણ ગુમાવ્યા છે. આજે પિતા પુરષોત્તમભાઇ સોલંકીના મૃત્યુંના આઘાતના સમાચાર વચ્ચે પણ વિષ્ણુ સોલંકી મેચ રમીને ફરી પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરીટ બતાવી હતી. આ પહેલા વિષ્ણુ સોલંકીએ જન્મના 24 કલાકમાં દીકરીના મૃત્યુનું દુઃખ ભૂલાવીને ટીમને મજબૂત સ્થિતીમાં લાવવા માટે મેદાનમાં ઉતર્યો હતો અને ચંદીગઢની ટીમ સામે 103 રન ફટકારી ટીમને મજબૂત સ્થિતીમાં મૂકી દીધી હતી. હાલ ભુવનેશ્વર કટક ખાતે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમાઇ રહી છે.

જન્મતાની સાથે જ દીકરીનું મોત થયું હતું
હાલમાં ભુવનેશ્વર કટક ખાતે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમાઇ રહી છે. વડોદરાના રાઇટ હેન્ડ બેસ્ટમેન વિષ્ણુ સોલંકી તા.6 ફેબ્રુઆરી બરોડાની ટીમ સાથે રણજી ટ્રોફી રમવા માટે ભુવનેશ્વર પહોંચ્યો હતો. દરમિયાન તેને તા.11 ફેબ્રુઆરી રાત્રે ખુશીના સમાચાર મળ્યા કે, પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે. બાળકીના જન્મના સમાચાર મળતા તે ખૂશ થઇ ગયો હતો. પરંતુ, આ ખૂશી માત્ર 24 કલાક જ રહી હતી. બાળકીનો જન્મ રાત્રે 12.10 કલાકે થયો હતો. અને તા.12 મી ફેબ્રુઆરી રાત્રે 12 કલાકે સમાચાર મળ્યા કે, નવજાત બાળકીનું મૃત્યું થયું હતું.

અંતિમવિધિ કરીને વળી રમવા ગયો હતો
દીકરીના મૃત્યુંના સમાચાર મળતા જ વિષ્ણુ સોલંકી વડોદરા આવી પહોંચ્યો હતો. તા.13 ફેબ્રુઆરીએ દીકરીની અંતિમ વિધી પૂર્ણ કરી હતી. રણજી ટ્રોફી ટીમના વાઇસ કેપ્ટન અને વડોદરાના રહેવાસી સુનિલ વિષ્ણુ સોલંકીના દાંપત્ય જીવનમાં બાળકીનો જન્મ થયો હતો. પરંતુ, દાંપત્ય જીવનની પ્રથમ બાળકીનું 24 કલાકમાં જ મોત નીપજ્યું હતું. નવજાત બાળકીનું મોત થતાં પત્ની અને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. વિષ્ણુએ પણ વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો હતો. પરંતુ, હિંમત એકઠી કરીને બાળકીની અંતિમવિધિ કરી હતી.

157 બોલમાં 103 રન કર્યાં હતા
બાળકીનું મોત થતાં આઘાતમાં સરી પડેલી પત્નીને આશ્વાસન આપવા માટે ચાર દિવસ વિષ્ણુ સોલંકી પત્ની અને પરિવાર સાથે રહ્યો હતો અને ચાર દિવસમાં બાળકીના દુઃખને ભુલાવી તા.17 ફેબ્રુઆરીએ ભુવનેશ્વર પહોંચી ગયો હતો અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં મુકવા તા.23 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢ સાથે રમાયેલી ટીમ સામે રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો અને ચંદીગઢ ટીમની સામે 157 બોલમાં 103 રન ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી દીધી હતી.

ક્રિકેટરને મેચ દરમિયાન આઘાતજનક સમાચાર મળ્યા
આજે વિષ્ણુને ચાલુ મેચ દરમિયાન વધુ એક આઘાતજનક સમાચાર મળ્યા હતા. આજે વિષ્ણુના પિતાનું મૃત્યું થયું હતું, પરંતુ, વિષ્ણુએ મેચ છોડી ન હતી અને તે મેચને મહત્વ આપ્યું હતું અને ટીમ સ્થિતિને વધુ મહત્વ આપ્યું હતું. વિષ્ણુનો ક્રિકેટ પ્રત્યનો પ્રેમ એટલી હદે બિરદાવા લાયક હતો કે, તેને પિતાના પાર્થિવ દેવના દર્શન વીડિયો કોલથી કર્યા હતા. વિષ્ણું સોલંકીની અથાગ મહેનત ભવિષ્યમાં રંગ લાવે તો નવાઈ નહીં.

ક્રિકેટરનું ઝનૂન ક્રિકેટ પ્રેમીઓને કાયમ યાદ રહેશે
વડોદરાના ગોરવા વિસ્તારમાં સામાન્ય પરિવારમાં જન્મેલા અને બાળપણથી જ ક્રિકેટને પોતાની કેરીયર બનાવવા માટે વિષ્ણુ સોલંકી અથાગ મહેનત કરી રહ્યો છે અને વિવિધ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરીને આંતર રાષ્ટ્રીય ક્રિકેટરો અને સિલેક્શન કમિટીનું પણ ધ્યાન ખેંચ્યું છે. નવજાત દીકરીના મૃત્યું થયાના 24 કલાક બાદ ક્રિકેટના મેદાનમાં ઉતરી સેન્ચુરી મારનાર વિષ્ણુ સોલંકીનું ક્રિકેટ પ્રત્યેનો લગાવ અને ઝનૂન ક્રિકેટ પ્રેમીઓને કાયમ યાદ રહેશે.

error: Content is protected !!