કેનાલમાં પગ લપસતાં સાળો-બનેવી તણાયાં, યુવકની આગલા દિવસે જ થઈ હતી સગાઈ
એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. બોડેલી પાસેની નર્મદા કેનાલના ઘસમસતા ઊંડા પાણીમાં બે યુવકોના પગ લપસતાં તણાઈ ગયા હોવાની વાત ફેલાતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની ટીમ બન્ને યુવકોની શોધખોળ શરૂ કરી હતી.લુણાવાડાના યુવક આઝાદ ચૌહાણની સગાઈ બોડેલી નજીક અલીખેરવા ગામની યુવતી સાથે ગઈ કાલે જ થઈ હતી.
જેથી આઝાદ બોડેલીમાં જ રોકાયો હોવાથી યુવતીના ભાઈ જયદેવ વીરેન્દ્ર કુમાર ઉ.વ. 17, રહે. અલીખેરવા અને લુણાવાડાથી બોડેલી સગાઈ કરવા આવેલા યુવક આઝાદ ચૌહાણ ઉ.વ. 21 બન્ને સાળો અને બનેવી રવિવારની સવારે કેનાલ તરફ બાઈક લઇને ફરવા નીકળ્યા હતા.
ત્યારે બાઈક કેનાલની કિનારે મૂકી ચપ્પલ ઉતારી બન્ને યુવક કેનાલમાં ઉતર્યા હતા. તે વખતે એક યુવકનો પગ લપસતાં પાણીમાં ડૂબવા લાગ્યો અને તેને બચાવવા બીજો યુવક પણ ડૂબવા માંડ્યો હતો.
બન્નેને બચાવવા માટે ત્યાંથી પસાર થનારાઓએ લાકડું, સાડી વિગેરેથી બન્ને યુવકોને બચવવાનો પ્રયાસ કર્યો પણ બને ઊંડા પાણીમાં ડૂબી ગયા હોવાનું જણાવ્યું હતું. ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા. બોડેલી પોલીસને જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઇ હતી. સાંજ સુધી બન્ને યુવકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો.