દાહોદના હાંડી ગામમાંથી ગાંજાની ખેતીનો થયો પર્દાફાશ, અધધધ પોણા ત્રણ કરોડ રૂપિયાના ગાંજાના છોડ મળ્યા

દાહોદઃ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામના એક ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતાં ચકચાર મચી છે. પોલીસે દરોડો પાડી તપાસ કરતાં ખેતરમાંથી ગંજાના 2,318 છોડ મળ્યા હતા, જેની કિંમત પોણાત્રણ કરોડ રૂપિયા થવા જાય છે. ગાંજાનું વાવેતર કરનારામાંથી એક શખસ ઝડપાયો છે, જ્યારે બે ફરાર થઈ જતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે ગત તા 21મી ઓક્ટોબરના રોજ સીંગવડ તાલુકાના હાંડી ગામે મછાર ફળિયાનાં ખેતરોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાંની સાથે જ પોલીસ ચોંકી ઊઠી હતી. ખેતરોમાં ગેરકાયદે ગાંજાના છોડોના 2318 નંગ વાવેતર કરેલા નજરે પડતાં પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી.

પોલીસે ગાંજાના છોડની ગણતરી કરતાં 2318 નંગ થયા હતા, જેની કુલ કિંમત રૂા. 2,74,54,000ની આંકવામા આવી છે. પોલીસે આ મામલે ગામમાં રહેતા વિક્રમભાઈ નારસિંગભાઈ મછારને ઝડપી પાડ્યો હતો, જ્યારે હિંમતભાઈ જોખનાભાઈ મછાર અને સરતનભાઈ શાન્તુભાઈ મછાર પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યા હતા.

ખેતરમાં આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતાં સ્વાભાવિક રીતે તેના ખરીદદાર પણ નક્કી હશે. ત્યારે આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કોના કહેવાથી કરવામાં આવ્યું હતું એની પણ તપાસ શરૂ કરવામા આવી છે. એસઓજી દ્વારા આ મામલે રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

error: Content is protected !!