ચોરી પહેલાં ભગવાનની માફી: કહ્યું-‘ભગવાન તમને આટલા ઘરેણાંની શું જરૂર ? તમને તો કોઇ પણ આપી દેશે’

કાપોદ્રામાં હીરાબાગ પાસે વલ્લભાચાર્ય રોડ પર મેલડી માતાના મંદિર અને બરોડા પ્રિસ્ટેજ પાસે સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી લાખોના ઘરેણાં ચોરનારા બે અને ઘરેણાં રિસિવ કરનારા સહિત ત્રણને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચોરીની તપાસ કરનાર પીએસઆઈ ડી.કે. ચોસલાએ જણાવ્યું હતું કે મેલડી માતાના મંદિરમાંથી 32 હજાર અને સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી 1.96 લાખ રૂપિયાના ઘરેણાં ચોરાયા હતા. સીસીટીવીના ફુટેજના આધારે પોલીસે ચોરી કરનારા બેને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલાઓમાં આરોપી હર્ષદ દિનેશ કુંભાર( રહે. ફુટપાથ પર વરાછા રોડ.મૂળ રહે. ચાણસ્મા, મહેસાણા) અને નીતેશ કુમાર યોગેન્દ્ર ચૌધરી ( રહે. ફુટપાથ પર, વરાછા રોડ. મૂળ જમુઈ, બિહાર)છે. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓએ કાંઈ ખોટું નથી કર્યું કારણ કે ચોરી કરતા પહેલાં તેઓ ભગવાનની માફી માંગી લેતા હતા. તેઓ ભગવાન સામે હાથ જોડીને કહેતા કે હે ભગવાન ! તમને આટલા ઘરેણાંની શંુ જરૂર છે ? એમ પણ તમને કોઈને કોઈ ફરીથી આપી જ દેશે. અમને રૂપિયાની જરૂર છે, અમારી પાસે હાલ કોઈ કામ ધંધો નથી, તેથી આ ઘરેણાં અમને લઈ લેવા દો, અમને માફ કરજો એવું કહીને ઘરેણાં ચોરી કરતા હતા.

આ પહેલાં પણ મંદિરોમાં ચોરી કરી હતી
આ પહેલાં પણ તેઓએ ઘણા મંદિરોમાં ચોરી કરી છે પરંતુ ઓછી ચોરી હોવાથી કોઈ ફરિયાદ કરવા આવતું ન હતું. તેઓએ મંદિર સિવાય બીજેે કશે ચોરી કરી ન હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેમની પાસેથી પોલીસે સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરી કરેલા તમામ 1.96 લાખ રૂપિયાના ઘરેણાં કબજે કર્યા છે. પોલીસે ચોરીના ઘરેણાં લેનાર આરોપી જ્વેલર મોહમંદ ઝુબેર હાજી હનીફ ઝવેરી( રહે. બીબીની વાડી, રાણીતળાવ )ની ધરપકડ કરી છે.

error: Content is protected !!