ભાગીરથી અમ્માનું 107 વર્ષની વયે નિધન, ધોરણ 10ની પરીક્ષા આપવાની હતી ઇચ્છા

કેરળ: 105 વર્ષની ઉંમરે સાક્ષરતા પરીક્ષા પાસ કરનાર ભાગીરથી અમ્માનું 22 જુલાઈએ નિધન થયું. તેમણે આટલી ઉંમરે પરીક્ષા પાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા હતા. અનેક નિરક્ષર લોકો માટે પ્રેરણા સમાન દાદીને આગળ પણ ભણવું હતું. ભાગીરથી અમ્માએ 107 વર્ષની ઉંમરે બીમારીઓ સામે હારીને અંતિમ શ્વાસ લીધા. તેમણે સૌથી વધુ ઉંમરે ધોરણ 4 પાસ કરી અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ચોથા ધોરણમાં તેઓ ટોપર રહ્યા હતાં. અમ્મા લોકડાઉનમાં પણ ઓનલાઈન અભ્યાસને લીધે ચર્ચામાં રહ્યા હતાં.

પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગીરથી અમ્માનો ઉલ્લેખ 23 ફેબ્રુઆરી,2020ના તેમના શો મન કી બાતમાં કર્યો હતો. તેઓ કેરળના કોલ્લમ જીલ્લામાં રહેતા હતાં. દિલ્હીમાં 8 માર્ચ એટલે કે ઈન્ટરનેશનલ વિમન્સ ડે ના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમ્માને નારી શક્તિ પુરષ્કાર સાથે 1 લાખ રૂપિયા આપ્યા હતાં. ચોથા ધોરણની પરીક્ષા 74.5 % સાથે પાસ કરી હતી.

ચોથા ધોરણની પરીક્ષામાં ભાગીરથીએ 275 અંકમાંથી 205 અંક મેળવ્યા હતાં. તેમણે ગણિતમાં 75માંથી 75 માર્ક્સ અને અંગ્રેજીમાં 50માંથી 30 માર્ક્સ મેળવ્યા હતાં. સાક્ષરતા મિશનના ડિરેક્ટર પીએસ શ્રીકલાએ ભાગીરથીના ઘરે જઈને તેમને અભિનંદન આપ્યા હતાં. શ્રીકલાએ કહ્યું કે, ભાગીરથીની ઈચ્છા ધોરણ 10ની પરીક્ષા પણ પાસ કરવાની છે.

107 વર્ષનાં ભાગીરથી અમ્માના 6 સંતાનો અને 16 પૌત્ર-પૌત્રીઓ છે. નવ વર્ષની ઉંમરમાં તેમની માતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ભાઈ-બહેનોનો ઉછેર કરવામાં તેમણે માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. હાલ તેમના દરેક સંતાનોના લગ્ન થઈ ગયા છે, આથી તેમણે પોતાના માટે સમય કાઢીને પરીક્ષા આપી. ભાગીરથીના પતિનું અવસાન 70 વર્ષ પહેલાં થયું હતું. ભાગીરથીને પહેલેથી ભણવામાં રસ હતો, પણ નાનકડી ઉંમરે મોટી જવાબદારી આવી જતા તેમને અભ્યાસ છોડવો પડ્યો હતો.

રાજ્ય સાક્ષરતા મિશનના જિલ્લા સંયોજક સીકે પ્રદીપ કુમારે નવેમ્બરમાં જણાવ્યું હતું કે, ભાગીરથી અન્ય ઘણા લોકો માટે પ્રેરણાદાયક વ્યક્તિ છે. તેમની યાદ કરવાની અને સાંભળવાની શક્તિ ઘણી સારી છે. આ કારણે જ તેમને આટલી ઉંમરે પણ ભણવામાં કોઈ અડચણ ન આવી. અમારું મિશન અશિક્ષિત, ઉંમરલાયક અથવા તો અધવચ્ચે અભ્યાસ છોડનારા લોકોને આગળ ભણવામાં મદદ કરે છે.

અફસોસ કે, ભાગીરથી અમ્માએ ધોરણ 10 પાસ કરવાનું સપનું પૂરું કર્યા વગર જ દુનિયાને અલવિદા કહ્યું.

error: Content is protected !!