હોમગાર્ડ જવાનને પ્રેમિકા સાથે બળપૂર્વક સંબંધ રાખવો પડ્યો ભારે, આવ્યો ખોફનાક અંત

દાહોદઃ ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામમાં પાંચ દિવસ પહેલાં લીલવાઠાકોર ગામમાં હોમગાર્ડ જવાનની હત્યા દંપતિએ ભેગા મળીને કરી હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો. હોમગાર્ડ જવાન બળપૂર્વક પ્રેમ સંબંધ રાખતો હોવાથી દંપતિએ ક્રૂરતાથી પાળિયાના 46 ઘા મારીને ગુનો આચર્યો હતો. લીમડી પોલીસે બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લીમડીના દેપાડાનો હોમગાર્ડ જવાન સુનિલ ઉર્ફે સાધુ પરમાર 30 સપ્ટેમ્બરની રાત્રે ભજનમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ સવારે તેની લાશ લીલવાઠાકોર ગામની સીમમાંથી મળી હતી. રહસ્મય હત્યાની તપાસ લીમડી પી.એસ.આઇ. એમ.એલ.ડામોરે શરૂ કરી હતી.

પ્રેમી સંબંધો પૂરા કરવા માનતો નહોતો
મૃતકના ગુમ મોબાઇલ ફોન કોલ ડીટેઇલથી તપાસ કરતા તા.30ના રોજ થયેલા છેલ્લા કોન્ટેક્ટ નંબર તથા મૃતકના બંને ફોન એક જ ટાવરથી એક્ટીવ થયેલા અને તે પછી એક જ સમયે બંધ થયેલા તે દિશામાં તપાસ કરી હતી. બંને સીમ મરનારના નામના હતા. જેથી આ બંને નંબરોની કોલ ડીટેઇલ તથા IMEI નંબરોની તપાસણી કરતા આરોપીઓનું પગેરુ મળી આવ્યું હતું. કારઠ ગામની રહેવાસી વનિતાબેન નિનામા સાથે સુનિલના આડા સંબંધ હતાં. આ બાબતની પતિ કુમેન્દ્ર નિનામાને ખબર પડી ગઇ હતી. જેથી વનિતા સંબંધોનો અંતે આણવા માગતી હતી પણ સુનિલ માનતો ન હતો. જેથી વનિતા અને કુમેન્દ્રએ તેની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. સુનિલને વનિતાએ મળવા બોલાવ્યો હતો.

46 ઘા મારી પ્રેમીની હત્યા કરી
વનિતાએ પતિ કુમેન્દ્રને ઝાડીમાં સંતાડી પોતે રસ્તે ઉભી રહી હતી. સુનિલ બાઇક લઇને આવતાં વેત જ કુમેન્દ્રએ ઝાડીમાંથી નીકળી હુમલો કરી દીધો હતો. જેથી જીવ બચાવવા ભાગેલા સુનિલનો પીછો કરીને દંપતિએ પોતાની પાસેના પાળિયાથી મોઢે, માથે અને ગળે 46 ઘા મારી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ સુનિલનો મોબાઇલ ફોન કાઢી બંધ કરવા સાથે વનિતાએ પોતાનો ફોન પણ બંધ કરી લીધો હતો. જોકે પોલીસની પૂછપરછમાં દંપતિ ભાગી પડતાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસને ટીમ વર્કથી સફળતા મળી
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા દાહોદ એસ.પી. હીતેષ જોયસરે આ અનડીટેકટ ગુનો શોધવા સૂચના કરી હતી. ત્યારે ઝાલોદ ડીવાયએસપી બી.વી.જાધવ, લીમખેડા ડીવાયએસપી કાનન દેસાઇ, તથા સીપીઆઇ બી.આર.સંગાડાના માર્ગદર્શનમાં ચાકલીયા પી.એસ.આઇ. વી.આર.ચૌહાણની મદદ લઇ લીમડી પોલીસે સ્ટાફની જુદી-જુદી ટીમ વર્કથી તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!