દાયકાઓ બાદ પરિવારમાં દીકરી જન્મી, અમદાવાદનો પરિવાર વાજતે ગાજતે ‘લક્ષ્મી’ને ઘરે લઈ આવ્યો

આજની 21મી સદીમાં પણ દીકરાને દીકરીથી વધુ ચડિયાતા માનવાનું દૂષણ સમાજમાંથી ગયું નથી. દીકરીને સાપનો ભારો માનીને ઘણીવાર તેને તરછોડી દેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ વચ્ચે અમદાવાદના અસરાની પરિવારે સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે. પરિવારમાં દાયકાઓ બાદ દીકરીનો જન્મ થતા વાજતે ગાજતે ઘોડાગાડીમાં બેસાડીને વ્હાલસોયીને પ્રસુતિગૃહથી ઘરે લઈ ગયા હતા. જ્યાં તેનું પુષ્પવર્ષા અને કુમકુમ પગલાં પાડીને સ્વાગત કરાયું હતું.

‘લક્ષ્મી’નું હરખભેર પુષ્પવર્ષાથી સ્વાગત
શહેરના હાટકેશ્વરમાં રહેતા જ્યોતિ અને હર્ષ અસરાનીના ઘરે દીકરીનો જન્મ થયો હતો. પરિવારમાં વર્ષો બાદ દીકરીનો જન્મ થયો હોવાથી સોમવારે સાંજે ખોખરાની સરકારી રુક્ષ્મણીબેન હોસ્પિટલથી હાટકેશ્વરના વૃદાંવન એપાર્ટમેન્ટ સુધી બેન્ડવાજા સાથે ઘોડાગાડીમાં બેસાડીને હરખભેર ‘લક્ષ્મી’ને આવકારવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર રસ્તામાં ગુલાબની પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

દીકરી સાપનો ભારો નહીં, ઘરની લક્ષ્મી
આજના સમયમાં નવજાત દીકરીને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ સમાજમાં બની રહ્યા છે, તેવા સમયમાં અસરાની પરિવાર લોકોને દીકરી એ સાપનો ભારો નહીં પરંતુ ઘરની લક્ષ્મી હોવાની પ્રતિતિ કરાવી છે.

તેમણે બે ઘરોને ઉજળા કરનાર લક્ષ્મી સ્વરૂપ દીકરીના જન્મને અનોખી રીતે વધાવ્યો હતો. સાથે જ સમાજને પણ ‘દીકરી બચાવો’નો સંદેશ આપ્યો હતો.

error: Content is protected !!