શું આખું વિપક્ષ જેલમાં જશે?:સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલાં ‘આપ’ના 2 કોર્પોરેટરની ધરપકડ, 1ની અટકાયત

સુરત પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આપ ના બે કોર્પોરેટર (વોર્ડ નંબર 4ના ધમેન્દ્ર વાવલીયા અને 5ના એ.કે. ધામી)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કોર્પોરેટર પાયલ સાકરીયાની તેની ઓફીસથી પોલીસ દ્વારા અટકાયત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. જો આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.

ઘટના શું હતી?
જાણકાર સૂત્રો એ કહ્યું હતું કે પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું. કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું. સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’ ચૂંટણીની કામગીરીને પણ અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા અને બેલેટ પેપર ઝૂંટવી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો.

સભાખંડમાં તોડફોડ પણ કરાઈ હતી
વધુમાં જણાવ્યું હતું કે, મેયરની આબરૂને નુકસાન પહોંચે તે પ્રકારના અભદ્ર વાક્યો ઉચ્ચારવામાં આવ્યા હતા. હુલ્લડ દરમિયાન સભાખંડના કાચ, ખુરશીઓ અને ટેબલની પણ તોડફોડ કરવામાં આવી હતી. પાલિકાના ઇતિહાસમાં બનેલી આ પહેલી ઘટનામાં પોલીસે બે કોર્પોરેટર ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ હોબાળો મચાવે તેવી શક્યતા
આજે પ્રથમ વખત સરદાર સભા ખંડમાં સામાન્ય સભા યોજશે ત્યારે આપ દ્વારા બે બેલેટ પેપરમાં ભુલનો આક્ષેપ અને ફેર ચૂંટણીની માંગને વળગી રહી આ ગરમાયેલા મામલે ફરી સામાન્ય સભામાં હોબાળો મચાવી શકે તેમ છે. સામાન્ય સભામાં ઉપરાંત આપના કોર્પોરેટરો નવા વિસ્તારોના સમાવેશ છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ખાડી સફાઈ, સોસાયટીઓમાં સાફસફાઈ સહિત ના મુદ્દા ઉઠાવે તેમ છે. શહેરની ખાનગી સોસાયટીઓમાં પ્રત્યેક સુવિધાથી પરિપૂર્ણ કરી શહેરને પર્યાવરણલક્ષી બનાવવી સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવાના અને સીસી રોડના ઠરાવ અંગે પણ આપ કોર્પોરેટરો રસ્તા, સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં છીંડા હોય તેથી ભારે વિરોધ કરે તેમ છે.

આપના કયા કોર્પોરેટર સામે ગુનો
ભાવના સોલંકી, મોનાલી હિરપરા, અલ્પેશ પટેલ, રાજુ મોરડીયા, ઋતુ દુગધરા, સોનલ સુહાગીયા, કનુ ગેડિયા, મહેશ અણઘણ, કુંદન કોઠીયા, સેજલ માલવિયા, ઘનશ્યામ મકવાણા, ધર્મેન્દ્ર વાવલીયા, નિરાલી પટેલ, મનીષા કુકડીયા, કિરણ ખોખાણી, અશોક ધામી, દિપ્તી સાંકળીયા, ડો. કિશોર રૂપારેલિયા, જ્યોતિ લાઠીયા, પાયલ સાકરિયા, શોભના કેવડિયા, જીતુ કાછડિયા, વિપુલ મોવલિયા, રચના હિરપરા, સ્વાતિ ઢોલરિયા, વિપુલ સુહાગિયા, ધર્મેશ ભંડારી.

error: Content is protected !!