ફિલ્મી સીનને ટક્કર મારે એવો બનાવ, ખોટું ડિવોર્સ પેપર રજૂ કરી સ્પેનની યુવતીને પરણવા પહોંચ્યો, ભાંડો ફૂટતાં…

પેટલાદ તાલુકાના નાર ગામે ગુરૂવારે ફિલ્મી સ્ક્રીપ્ટ જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આણંદથી એનઆરઆઈ યુવતીને પરણવા પેટલાદના નાર ગામે ગયેલો યુવક પરણવા ઘોડે ચઢ્યો અને એ જ સમયે એક યુવતીએ તેની પત્ની હોવાનું કહેતાં જ લગ્નમંડપમાં સન્નાટો વ્યાપી ગયો હતો. યુવતી અને તેના પરિવારજનોને જોતાં જ ઘોડે ચઢેલો યુવક અને તેના પરિવારજનો ક્યાંય રફુચક્કર થઈ ગયા હતા. જોકે, આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ પણ સ્થળ‌ પર પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, સમગ્ર બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

આ અંગે યુવક પાર્થ પટેલ (રહે. પાલિકાનગર, આણંદ) સાથે વર્ષ 2019માં લગ્ન કરનારી યુવતી અમિષા ચૌહાણે જણાવ્યું હતું કે, પાર્થ સાથે તેને સોશિયલ મીડિયામાં પરિચય થયો હતો. એ પછી તેમણે કોર્ટમાં લગ્ન કર્યા હતા. દરમિયાન, તેઓ છ મહિના સાથે રહ્યા હતા. એ પછી તેના પિતાનું મૃત્યુ થતાં તે તેના પિયર ગઈ હતી. દરમિયાન યુવકે સોશિયલ મીડિયા પર બીજી યુવતીનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું.

ગત ડિસેમ્બરમાં યુવકે તેની સાથે ડિવોર્સ માંગ્યા હતા, એમ કહેતાં અમિષા ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં મેં અરજી પણ આપી હતી. જોકે, આજે જ્યારે લગ્નમાં અમે ગયા ત્યારે તેના પિતાએ જૂઠ્ઠો ડિવોર્સ પેપર રજૂ કર્યો હતો. અમારા હજુ સુધી ડિવોર્સ થયા જ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન દરમિયાન યુવતીના પરિવારજનોએે વીસ લાખથી પણ વધુ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. એવું કહેવાય છે કે, છેલ્લાં ચાર દિવસથી તેમના ઘરે જમણવાર ચાલતો હતો. જોકે, ખર્ચાને લઈને યુવતીના અને યુવકના પરિવારજનો વચ્ચે ચડભડ પણ થઈ હતી. એવું કહેવાય છે કે, યુવતીના પરિવારજનોએ તેમની પાસેથી ખર્ચો પણ માંગ્યો હતો.

જાનમાં આવેલો યુવક પાર્કિંગમાં કાર લેવા માટે ગયો હતો. દરમિયાન, એ સમયે ગામના પૂર્વ સરપંચ કૌશિકભાઈ પટેલે તેને પકડી લીધો હતો. જોકે, બીજા લોકો પણ ત્યાં આવી પહોંચતા જ અને તેને યુવકને ફોન કરવાનું જણાવતાં જ પકડાયેલા યુવકે પાર્થ તેનો ફોન ન ઉપાડતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, બીજી તરફ જાનમાં આવેલા યુવકે બચવા માટે પોતાની પાસેની રિવોલ્વર કાઢી હોવાનું કેટલાંકે જણાવ્યું હતું. જોકે, પોલીસ આવી જતાં લોકોએ પોલીસને સોંપ્યો હતો.

error: Content is protected !!